
જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામે માત્ર માવો ખાઈને થૂંકવા અને ગાળો બોલવા જેવી બાબતે શરૂ થયેલો સામાન્ય કકળાટ ઉગ્ર બની જતાં બે જૂથો વચ્ચે સામસામે મારામારી થઈ હતી. આ ઘટના અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી છે. પોલીસે એટ્રોસિટી એક્ટ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
31 જુલાઈ, 2026ના રોજ બપોરના સમયે મોટી વાવડી ગામે આ બનાવ બન્યો હતો. પ્રથમ ફરિયાદ રમેશકુમાર ઉર્ફે ભુદો કેશવલાલ ચૌહાણે નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, તેમના ભાઈ આરોપી શબીર ઇબ્રાહીમ ઘુઘાના ઘર પાસેની શેરીમાંથી પસાર થતી વખતે માવો ખાઈને થૂંકતા હતા, જેના મુદ્દે તકરાર શરૂ થઈ હતી. આ દરમિયાન શબીર અને રાહુલ વારગીયાએ તેમના ભાઈને લાકડી વડે માર માર્યો હતો. તે સમયે ફરિયાદીએ વચ્ચે પડીને ભાઈને વધુ મારમાંથી છોડાવી ઘરે લઈ ગયા હતા.
જોકે, આ બાબતે વિવાદ શાંત થયો નહોતો અને આરોપીઓ શબીર તથા રાહુલ ફરીથી ફરિયાદી રમેશકુમારના ઘરે પહોંચી ગયા હતા. તેમણે ફરિયાદીના ભાઈ પર લાકડી અને પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. ફરિયાદી પોતાના ભાઈનો બચાવ કરવા વચ્ચે પડતાં તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ જ સમયે અન્ય ચાર શખ્સો પણ ત્યાં ધસી આવ્યા હતા. આ તમામ શખ્સોએ ભેગા મળી ફરિયાદી તથા તેમના ભાઈને ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, અનુસૂચિત જાતિ પ્રત્યે અપમાનિત કરાયા હોવાના આક્ષેપ સાથે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે.
બીજી બાજુ, સામા પક્ષે શબ્બીરભાઈ ઇબ્રાહીમભાઈ ઘુઘાએ પણ પોતાની ફરિયાદ નોંધાવી છે. તેમણે આપેલી વિગતો મુજબ, તેમના પત્ની અને માતા પોતાના ઘરની બહાર બેઠાં હતાં ત્યારે અમરશી ચૌહાણ ત્યાં આવીને તેમની સામે થૂંક્યા હતા અને અસભ્ય ગાળો બોલવા લાગ્યા હતા. આ સમયે ગાળો બોલવાની ના પાડતાં અમરશી ચૌહાણે ફરિયાદી શબ્બીરભાઈને પણ ગાળો આપી હતી અને ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ થોડી વાર પછી તેઓ ફરી પાછા આવ્યા હતા.
બીજી વાર આવીને અમરશી ચૌહાણે ફરિયાદીના મિત્ર સાથે ઝઘડો કરી ગાળો આપી માર માર્યો હતો. મિત્રને બચાવવા શબ્બીરભાઈ વચ્ચે પડતાં તેમના મોઢા પર મુક્કો મારી દેવામાં આવ્યો હતો. આ જ સમયે રમેશ ચૌહાણ હાથમાં લાકડાનો ધોકો લઈને ધસી આવ્યા હતા અને શબ્બીરભાઈના ડાબા હાથની કોણી પર ધોકો મારી ઈજા પહોંચાડી હતી. આ બંને આરોપીઓએ ફરિયાદી અને તેમના મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.
આ ઘટના અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે બંને પક્ષોની રજૂઆતોને ધ્યાને લઈ અલગ-અલગ ગુના નોંધ્યા છે. પ્રથમ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પોલીસ અધિનિયમ અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે બીજી ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કેસ દાખલ થયો છે. પોલીસે બનાવ અંગે કાયદેસરની આગળની તપાસ તેજ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt