જામનગર મનપાની ઘોર બેદરકારી: વગર મંજૂરીએ 150થી વધુ ગેરકાયદે બોર્ડ-કિયોસ્ક ખડકાઈ ગયા
જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ઉંઘતી નીતિ અને બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર વગર મંજૂરીએ તેમજ એકપણ રૂપિયો ફી ભર્યા વગર ૧૫૦થી વધુ ગેરકાયદેસર બોર્ડ અને કિયોસ્ક લગાવી દે
ગેરકાયદે બોર્ડ બેનર હટાવતું એસ્ટેટ શાખા


જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ઉંઘતી નીતિ અને બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર વગર મંજૂરીએ તેમજ એકપણ રૂપિયો ફી ભર્યા વગર ૧૫૦થી વધુ ગેરકાયદેસર બોર્ડ અને કિયોસ્ક લગાવી દેવામાં આવ્યા હતા. દિવસો સુધી મનપા તંત્ર અજાણ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે અંતે એસ્ટેટ શાખા જાગી છે અને આ તમામ અનઅધિકૃત બોર્ડ દૂર કરવાની સપાટો બોલાવતી કામગીરી હાથ ધરી છે.

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા અચાનક હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો, જાહેર સ્થળો તેમજ સ્ટ્રીટલાઈટના પોલ પર લગાવાયેલા કિયોસ્ક અને જાહેરાતના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ કિયોસ્ક જપ્ત કરીને મનપાના કમ્પાઉન્ડમાં જમા કરવામાં આવ્યા છે. જોકે, આટલી મોટી સંખ્યામાં બોર્ડ રાતોરાત લાગ્યા ન હોય તે સ્વાભાવિક છે, જેથી તંત્રની મોડી કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

નવાઈની વાત તો એ છે કે, આ તમામ જાહેરાત બોર્ડમાંથી એકપણ બોર્ડ માટે નિયમ મુજબ મનપામાં કોઈ જ ફી કે નાણાં ભરપાઈ કરવામાં આવ્યા ન હતા. કોઈ પણ જાતની પરવાનગી વગર આટલા મોટા પ્રમાણમાં જાહેર મિલકતો પર બોર્ડ લાગી જતાં મનપાને થતી મોટી આવકનું ધોવાણ થયું છે. અધિકારીઓ અને કર્મચારીઓની અજાણતા વચ્ચે આટલું મોટું નેટવર્ક સક્રિય રહેતા વિપક્ષ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હવે મુખ્ય પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આટલા બધા બોર્ડ કોની મીઠી નજર કે મિલીભગત હેઠળ શહેરમાં લાગ્યા અને આટલા દિવસો સુધી તંત્રને કેમ દેખાયા નહીં? નાણાં ભરપાઈ કર્યા વગર ચાલેલા આ ખેલ પાછળ મનપાના જ કોઈ જવાબદારોની છૂપી મદદ છે કે કેમ તે ઊંડાણપૂર્વકની તપાસનો વિષય બન્યો છે. સત્વરે જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande