કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં ખેડૂતોની ભારે ભીડ જોવા મળી
ગીર સોમનાથ, 17 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. મગફળીની પુષ્કળ આવક સામે વેચાણ ઓછું થતાં યાર્ડ દ્વારા એક દિવસ માટે મગફળીની નવી આવક સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં
કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક


ગીર સોમનાથ, 17 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. મગફળીની પુષ્કળ આવક સામે વેચાણ ઓછું થતાં યાર્ડ દ્વારા એક દિવસ માટે મગફળીની નવી આવક સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, યાર્ડમાં હરાજી સહિતની કામગીરી ચાલુ રહેશે. બીજી તરફ, હાલ મગફળીના ભાવ પ્રતિ મણ ₹1400થી ₹1600 સુધી મળી રહ્યા છે, જ્યારે સોયાબીનના ભાવ પણ ટેકાના ભાવ કરતાં વધુ મળતા ખેડૂતોને રાહત મળી છે. જોકે, વધતા ખેતી ખર્ચને ધ્યાનમાં રાખીને ખેડૂતો સરકાર પાસે વધુ પોષણક્ષમ ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે.

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો થતાં યાર્ડમાં માલનો ભરાવો થવાની સ્થિતિ સર્જાઈ છે. યાર્ડના સેક્રેટરીના જણાવ્યા અનુસાર, હાલ દરરોજ અંદાજે 12 હજારથી 15 હજાર બોરી મગફળીની આવક થઈ રહી છે, જ્યારે વેચાણ માત્ર 5 હજારથી 6 હજાર બોરી જેટલું છે. આવકની સરખામણીએ વેચાણ ઓછું હોવાથી વ્યવસ્થાપન જાળવવા માટે આયોજનબદ્ધ રીતે નવી આવક લેવામાં આવી રહી છે. ખેડૂતોને લાઈનમાં લાંબો સમય ઊભા રહેવું ન પડે તે માટે યાર્ડ દ્વારા મેસેજ અને વારા પ્રમાણે માલ લાવવાની અપીલ કરવામાં આવી છે બીજી તરફ, આ વર્ષે મગફળીના ભાવ ખેડૂતો માટે રાહતરૂપ બન્યા છે. યાર્ડમાં મગફળીની ગુણવત્તા સારી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. હાલ સારી ગુણવત્તાની મગફળીના ભાવ પ્રતિ મણ ₹1400થી ₹1600 સુધી પહોંચી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સારા ભાવ મળી રહ્યા છે. જોકે, ખાતર, બિયારણ, દવા અને મજૂરીના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ખેડૂતોનું કહેવું છે કે હાલના ભાવથી ખેતી ખર્ચની ભરપાઈ કરવી મુશ્કેલ બની શકે છે. મગફળીની સાથે સોયાબીનના ભાવને લઈને પણ ખેડૂતોમાં આશા જોવા મળી રહી છે. એક ખેડૂતે જણાવ્યું કે, તેમને સોયાબીનના પ્રતિ મણ ₹1342 ભાવ મળ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ગત વર્ષે સોયાબીનના ભાવ અંદાજે ₹700થી ₹900 સુધી રહેતા હતા, જ્યારે આ વર્ષે બજારમાં વધુ સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે બજારમાં હાલ મળી રહેલા ભાવ જળવાઈ રહે અને તેમને પોષણક્ષમ વળતર મળે.

જોકે, તમામ ખેડૂતોની સ્થિતિ એકસરખી નથી. વરસાદની અછત અને સિંચાઈની મર્યાદિત સુવિધાઓના કારણે કેટલાક વિસ્તારોમાં ઉત્પાદન પર અસર પડી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેતીમાં મજૂરી અને દવાના ખર્ચમાં વધારો થતાં ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવ વધારવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના મતે, મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ ₹1700 સુધી નક્કી કરવામાં આવે અને સોયાબીનના ભાવને પણ યોગ્ય ટેકો મળે તો ખેડૂતોને રાહત મળી શકે છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકારના ટેકાના ભાવ ખુલ્લા બજારના ભાવ કરતાં આકર્ષક રહે, જેથી ખેતી ખર્ચ બાદ યોગ્ય વળતર મળી શકે.

એક તરફ મગફળી અને સોયાબીનના બજારભાવમાં સુધારાથી ખેડૂતોને આશા જાગી છે, તો બીજી તરફ વધતા ખેતી ખર્ચ અને વરસાદની અછતની ચિંતા પણ યથાવત છે. હવે ખેડૂતોની નજર સરકારના ટેકાના ભાવ અને બજારમાં હાલ મળી રહેલા ભાવ કેટલા સમય સુધી જળવાઈ રહે છે તેના પર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande