વેરાવળની તાલુકા શાળા ખાતે ભવ્ય રંગીલો રાસોત્સવ ઉજવાયો
સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત શાળા પરિસરમાં સંસ્કૃતિ, સ્વચ્છતા અને ટીમવર્કનો સુંદર સમન્વય. ગીર સોમનાથ, 17 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે વેરાવળની તાલુકા શાળા નં-૧ ખાતે ‘રંગીલો રાસોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્
વેરાવળની તાલુકા શાળા ખાતે


- સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત શાળા પરિસરમાં સંસ્કૃતિ, સ્વચ્છતા અને ટીમવર્કનો સુંદર સમન્વય.

ગીર સોમનાથ, 17 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે વેરાવળની તાલુકા શાળા નં-૧ ખાતે ‘રંગીલો રાસોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. રંગીલા રાસોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે બેસ્ટ વેલ ડ્રેસ, બેસ્ટ ખેલૈયા સહિતની વિવિધ કેટેગરીમાં ગરબા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા, આકર્ષક ગરબા પ્રસ્તુતિઓ અને ઉત્સાહભેર ભાગીદારી દ્વારા સૌનાં મન મોહી લીધાં હતાં. આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર મુકેશ ચોલેરા તથા શાળા પરિવાર દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર શાળા પરિસર પ્લાસ્ટિકમુક્ત રાખીને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. શાળાની સ્વચ્છતા, વ્યવસ્થા અને પ્લાસ્ટિકમુક્ત વાતાવરણ શાળાના સ્ટાફ પરિવારના કર્મયોગ, સમર્પણ, જાગૃતિ અને સામૂહિક પ્રયાસોનું જીવંત પ્રતિબિંબ બની રહ્યાં હતાં. ‘મારી શાળા, મારું ગૌરવ’, ‘મારી શાળા, સ્વચ્છ શાળા’ અને ‘મારી શાળા, પ્લાસ્ટિકમુક્ત શાળા’ જેવા સંકલ્પોને સાકાર કરતું આ આયોજન અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું હતું.

વિદ્યાર્થીઓના આરોગ્ય અને પોષણને પ્રાધાન્ય આપતાં શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સંતરા અને કેળાંનું ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં આરોગ્યપ્રદ આહાર પ્રત્યે જાગૃતિ કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન પરંપરા, સંસ્કૃતિ, સ્વચ્છતા, પર્યાવરણ જતન અને આનંદનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળવાની સાથે તેમનામાં આત્મવિશ્વાસ, સહકાર, શિસ્ત અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande