
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે કારખાનેદારની ગંભીર બેદરકારી અને ગેરકાયદે વીજ જોડાણના કારણે એક નિર્દોષ શ્રમિક કર્મચારીનું વીજશોક લાગતા કરૂણ મોત નિપજ્યું છે. પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર રીપેરીંગ અને ડીઓ બદલવાની કામગીરી દરમિયાન લાઈન ક્લિયર લેવા છતાં અચાનક વીજ પ્રવાહ આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સમગ્ર મામલે પીજીવીસીએલના નાયબ ઈજનેરની ફરિયાદના આધારે કોટડાસાંગાણી પોલીસે ન્યાલકરણ ઈન્ડસ્ટ્રીઝના માલિક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, કોટડાસાંગાણી સબ ડીવીઝન હેઠળના રામપરા એજી ફીડર પર ટ્રાન્સફોર્મર બળી ગયું હોવાથી તેને બદલવા માટે 'માં મેલડી' એજન્સીના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા. કામગીરી સુરક્ષિત રીતે થાય તે માટે ૬૬ કેવી રામોદ સબ સ્ટેશનમાંથી સત્તાવાર રીતે લાઈન કિલિયર મેળવીને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સફોર્મર રીપ્લેસમેન્ટ કર્યા બાદ કર્મચારી લાલસિંગભાઈ સબુરભાઈ પલાસ તથા પ્રકાશભાઈ રાઠોડ ડીઓ (ડ્રોપ આઉટ ફ્યુઝ) બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. તે જ સમયે બંધ લાઈનમાં અચાનક વીજ પ્રવાહ આવી જતાં લાલસિંગભાઈને ભારે વીજશોક લાગ્યો હતો.
વીજશોક લાગતાની સાથે જ લાલસિંગભાઈ નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે કોટડાસાંગાણી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. લાઈન ક્લિયર હોવા છતાં વીજ પ્રવાહ ક્યાંથી આવ્યો તે અંગે પીજીવીસીએલના નાયબ ઈજનેર તથા જુનિયર ઈજનેરોની ટીમે સબસ્ટેશન અને આજુબાજુના ફીડરોમાં તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે સબસ્ટેશનમાંથી તમામ ખેતીવાડી ફીડર બંધ હતા, પરંતુ રામોદ જ્યોતિગ્રામ ફીડરનો પુરવઠો શરૂ થયાના થોડા જ સમયમાં આ અકસ્માત બન્યો હતો.
અધિકારીઓએ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજળી મેળવતા ગ્રાહકોની ઘનતાથી ચકાસણી કરતા રામોદ રોડ પર આવેલ ન્યાલકરણ ઈન્ડસ્ટ્રીઝમાં ગંભીર ગેરરીતિ સામે આવી હતી. કારખાનાના માલિક ગોરધનભાઈ ગોવિંદભાઈ રામાણીએ પોતાના ઈન્ડસ્ટ્રીયલ કનેક્શનમાંથી ચેન્જ ઓવર સ્વીચ અને વાયર મારફતે સીધું જ પોતાના ખેતીવાડી કનેક્શનમાં ગેરકાયદેસર અને અત્યંત જોખમી રીતે વીજ જોડાણ કરી રાખ્યું હતું. જ્યોતિગ્રામ ફીડરનો પાવર સીધો જ ખેતીવાડી ફીડરમાં રિટર્ન જઈ શકે તેવી આ ગેરકાયદે વ્યવસ્થાના કારણે જ કામગીરી કરી રહેલા શ્રમિક સુધી વીજ પ્રવાહ પહોંચ્યો હતો.
આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી કોઈનું મોત થઈ શકે છે તેવું જાણવા છતાં માત્ર પોતાના સ્વાર્થ માટે વીજ જોડાણ કરનાર ગોરધનભાઈ રામાણી સામે પીજીવીસીએલના નાયબ ઈજનેર દિપકકુમાર ધ્રાંગાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે કોટડાસાંગાણી પોલીસે ન્યાલકરણ ઈન્ડસ્ટ્રીઝના માલિક ગોરધનભાઈ રામાણી સામે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. મૂળ દાહોદના અને હાલ રામોદ ખાતે રહેતા ૪૯ વર્ષીય શ્રમિક લાલસિંગભાઈ પલાસના આકસ્મિક અવસાનથી તેમના પરિવારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt