ITI જૂનાગઢ ખાતે ‘વિશાખા માર્ગદર્શિકા’ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો, તાલીમાર્થીઓને માર્ગદર્શન અપાયું
જુનાગઢ 17 ઓક્ટોબર (હિ.સ.) ITI જૂનાગઢ ખાતે ‘વિશાખા માર્ગદર્શિકા’ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને ભયમુક્ત વાતાવરણ જાળવવા કાયદાકીય જોગવાઈઓ અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિન
ITI જૂનાગઢ ખાતે ‘વિશાખા માર્ગદર્શિકા’ અંગે


જુનાગઢ 17 ઓક્ટોબર (હિ.સ.) ITI જૂનાગઢ ખાતે ‘વિશાખા માર્ગદર્શિકા’ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને ભયમુક્ત વાતાવરણ જાળવવા કાયદાકીય જોગવાઈઓ અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનારમાં જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર શ્રી ખુંટ કૃપા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને ભયમુક્ત વાતાવરણનું નિર્માણ કરવા તેમજ મહિલાઓ સાથે થતી જાતીય સતામણીના નિવારણ અને ફરિયાદ નિવારણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃતિ કેળવવાનો હતો.

સેમિનાર દરમિયાન કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, જાતીય સતામણીનું નિવારણ, મહિલાઓના અધિકારો, ફરિયાદ કરવાની પ્રક્રિયા તેમજ ફરિયાદ નિવારણની વ્યવસ્થા અંગે તાલીમાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કાર્યસ્થળે પરસ્પર સન્માન, શિસ્ત અને સકારાત્મક વાતાવરણ જાળવવાની જરૂરિયાત તથા મહિલાઓના ગૌરવ અને સન્માનના રક્ષણ અંગે પણ સમજ આપવામાં આવી હતી.

સેમિનારમાં ITI જૂનાગઢના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી તાલીમાર્થીઓને કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા અને તેમના અધિકારો અંગેની કાયદાકીય જોગવાઈઓની સમજ મળે તેમજ ભવિષ્યના કાર્યસ્થળે સુરક્ષિત, સન્માનજનક, સમાનતાયુક્ત અને ભેદભાવમુક્ત વાતાવરણ જાળવવા માટે જરૂરી સંવેદનશીલતા અને જવાબદારી કેળવાય તેવો હેતુ સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગરની સૂચના તથા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢના આચાર્ય શ્રી ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ આ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande