
જુનાગઢ 17 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
ગિરનાર લીલી પરિક્રમા સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી,આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી.
જિલ્લા કલેકટરએ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ પરના અધિકારીઓને સ્થળ મુલાકાત કરી જરૂરી આયોજન કરવા નિર્દશ આપ્યા હતાં. આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ વ્યવસ્થા માટે પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગિરનાર લીલી પરિક્રમા જવા માટેના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની જરૂરી મરામત માટે પણ કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર આઈ.આર.વાળા, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર બી.એસ.બારડ, પ્રાંત અધિકારીઓ ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ