
જુનાગઢ, 17 ઓક્ટોબર (હિ.સ.) : એમ. એમ. ઘોડાસરા મહિલા કૉલેજ, જૂનાગઢ ખાતે યોજાયેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આંતર-કૉલેજ યોગાસન સ્પર્ધામાં બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજ, જૂનાગઢના વિદ્યાર્થી રાઠોડ હર્ષે રિધમિક યોગા (Rhythmic Yoga) ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હર્ષે નિયમિત યોગસાધના, સઘન અભ્યાસ, એકાગ્રતા, શિસ્ત અને અથાગ મહેનતના બળે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આંતર-કૉલેજ સ્તરની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી તેમણે પોતાની યોગપ્રતિભાનો આગવો પરિચય કરાવ્યો છે.
આ સિદ્ધિના પરિણામે હર્ષ આગામી સમયમાં ગુજરાતના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા આંતર-યુનિવર્સિટી યોગાસન સ્પર્ધામાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. આમ, તેમને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની મહત્વપૂર્ણ તક પ્રાપ્ત થઈ છે.
હર્ષની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝાએ હાર્દિક અભિનંદન પાઠવી આગામી સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કૉલેજના સમગ્ર સ્ટાફ પરિવારે પણ હર્ષની સિદ્ધિને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.
હર્ષની આ સફળતા કૉલેજના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. યોગક્ષેત્રે તેમણે પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ યુવા પ્રતિભાઓમાં રમતગમત અને યોગ પ્રત્યેનો ઉત્સાહ વધારવામાં પ્રેરક બની રહેશે. હર્ષ આગામી ઓલ ઇન્ડિયા આંતર-યુનિવર્સિટી યોગાસન સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી કૉલેજ તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર કરશે. તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ