






બન્ની-પચ્છમમાં પાણીના કાયમી ઉકેલથી લઈને ડેમ, કોલેજ અને જર્જરિત શાળાઓના મુદ્દે રજૂઆતો; પ્રજાના પ્રશ્નો સમયમર્યાદામાં ઉકેલવા કલેક્ટર અનિલ રાણાવસિયાનો અનુરોધ
કચ્છ, 17 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પ્રજાકીય સમસ્યાઓના નિરાકરણ અને સરકારી વિભાગો વચ્ચે સંકલન મજબૂત બનાવવાના હેતુથી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત જિલ્લાના ધારાસભ્યોએ પોતાના વિસ્તારોના વિવિધ પ્રશ્નો રજૂ કરીને તેના ઝડપી ઉકેલ માટે રજૂઆતો કરી હતી.
બેઠકમાં પાણી, સિંચાઈ, રસ્તા, વીજળી, શિક્ષણ અને નાગરિક સુવિધાઓ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બન્ની-પચ્છમ સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે લાંબા ગાળાનું આયોજન કરવાની જરૂરિયાત દર્શાવી હતી. આગામી ઉનાળામાં પાણીની અછત ન સર્જાય અને લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે આગોતરાં પગલાં ભરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપરમાં સરકારી કોલેજની મંજૂરી, બીબર ગામે મંજૂર જાબરી ડેમ તથા તલ-લૈયારી ડેમના બાંધકામમાં વિલંબ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. નખત્રાણા બાયપાસ, જર્જરિત પ્રાથમિક શાળાઓ, રસ્તાઓની સ્થિતિ, વીજળીના ફોલ્ટ, પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નો પણ ચર્ચામાં આવ્યા હતા. ભચાઉના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જન્મ-મરણનાં પ્રમાણપત્રોની પ્રક્રિયામાં રહેલી વિસંગતતાઓ ઉપરાંત ભચાઉ અને રાપર વિસ્તારની પાણી, વીજળી, માર્ગ અને સિંચાઈ સંબંધિત સમસ્યાઓ રજૂ કરી હતી.
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અધિકારીઓને પ્રજાકીય પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ રાખીને સમયસર ઉકેલ લાવવા સૂચના આપી હતી. પાણીની ચોરી સામે કડક વલણ અપનાવવા અને જરૂર જણાય ત્યાં પોલીસ ફરિયાદ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતું. વરસાદની સ્થિતિ અને આગામી સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાણી વિતરણ તથા વૈકલ્પિક વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવા પણ ભાર મૂક્યો હતો.
કલેક્ટર અનિલ રાણાવસિયાએ તમામ વિભાગોને રજૂઆતોને ગંભીરતાથી લઈ ગુણવત્તાસભર કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar