કચ્છમાં ગેરકાયદે ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી: હિટાચી, ટ્રકો સહિત ₹8 કરોડનો મુદ્દામાલ જપ્ત
ભચાઉ–રાપર પંથકમાં વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમ ત્રાટકી; ઓવરલોડ વાહનો પાસેથી સ્થળ પર જ ₹3.60 લાખનો દંડ વસૂલાયો. કચ્છ, 17 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજોના બિનઅધિકૃત પરિવહન સામે વહીવટી તંત્ર દ્વારા કડક ક
વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમ નો દરોડો


વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમ નો દરોડો


વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમ નો દરોડો


- ભચાઉ–રાપર પંથકમાં વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમ ત્રાટકી; ઓવરલોડ વાહનો પાસેથી સ્થળ પર જ ₹3.60 લાખનો દંડ વસૂલાયો.

કચ્છ, 17 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજોના બિનઅધિકૃત પરિવહન સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, ભુજ-કચ્છની સૂચનાના આધારે 16 ઓક્ટોબર, 2026ના રોજ ભચાઉ અને રાપર તાલુકામાં સંયુક્ત તપાસ અભિયાન હાથ ધરાયું હતું. આ દરમિયાન ખનન માટે ઉપયોગમાં લેવાતાં હિટાચી મશીનો, ટ્રક, ટ્રેક્ટર-કમ-લોડર સહિત અંદાજે ₹8 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

મદદનીશ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભચાઉ, મામલતદાર ભચાઉ, મામલતદાર રાપર તથા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમે વિવિધ સ્થળોએ તપાસ કરી હતી. કાર્યવાહી દરમિયાન રાપર તાલુકાના લોદ્રાણી વિસ્તારમાં આશરે બે એકર જમીનમાં ચાલી રહેલી ખનન પ્રવૃત્તિના સ્થળેથી બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક કબજે કરવામાં આવ્યાં હતાં. રાપર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું પરિવહન કરતા અન્ય 13 ટ્રકો પણ પકડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત જાટાવાડા ખાતે ખનન સ્થળ પરથી એક ટ્રેક્ટર-કમ-લોડર જપ્ત કરવામાં આવ્યું હતું. સુરજબારી ટોલ પ્લાઝા પાસે તપાસ દરમિયાન રોયલ્ટી વિના ખનીજનું વહન કરતી ચાર ટ્રકો તેમજ નિયમ કરતાં વધુ ભાર વહન કરતી 15 ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ભચાઉ તાલુકાના આઘોઈ વિસ્તારમાંથી પણ એક હિટાચી મશીન જપ્ત કરાયું હતું.

ઓવરલોડ વાહનો સામેની કાર્યવાહી માટે આરટીઓની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. નિયમોનો ભંગ કરતા વાહનો સામે સ્થળ પર જ દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં કુલ ₹3.60 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. લોદ્રાણી ખાતે થયેલા ગેરકાયદેસર ખનન અંગે આગળની તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા ખાણ-ખનીજ વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી.

સમગ્ર અભિયાન દરમિયાન જપ્ત કરાયેલા વાહનોનો કબજો સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યો છે. ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઑફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017 હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

કચ્છમાં કુદરતી ખનીજ સંપત્તિના સંરક્ષણ અને ગેરકાયદેસર ખનન પર નિયંત્રણ લાવવા માટે તંત્રની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવનારા સમયમાં પણ આવા સ્થળોએ તપાસ અને નિયમભંગ સામે કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande