સામખીયારી પોલીસની કાર્યવાહી: રૂ. 15.05 લાખનો દારૂ સહિત મુદ્દામાલ જપ્ત, હાઇવે પર ક્રેટા કાર મૂકીને ચાલક ફરાર
માળિયા-સામખીયારી નેશનલ હાઇવે પર ફિલ્મી ઢબે પીછો; વિદેશી દારૂની 3,744 બોટલ અને રૂ. 10 લાખની કાર કબજે. કચ્છ, 17 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. ત્યારે સામખીયારી પોલીસે
માળિયા હાઈવે પર પકડાયેલ દારૂ


માળિયા હાઈવે પર પકડાયેલ દારૂ


- માળિયા-સામખીયારી નેશનલ હાઇવે પર ફિલ્મી ઢબે પીછો; વિદેશી દારૂની 3,744 બોટલ અને રૂ. 10 લાખની કાર કબજે.

કચ્છ, 17 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. ત્યારે સામખીયારી પોલીસે માળિયા-સામખીયારી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ સફેદ ક્રેટા કારમાંથી દારૂની કુલ 3,744 બોટલ મળી આવી હતી. દારૂ અને કાર સહિત કુલ રૂ. 15,05,440નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે કારનો ચાલક પોલીસને હાથ લાગ્યો ન હતો.

સામખીયારી પોલીસ સ્ટાફ માળિયા-સામખીયારી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે જૂના કટારીયા બ્રિજ પરથી પસાર થતી સફેદ રંગની ક્રેટા કાર શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે વાહન રોકવાને બદલે આગળ દોડાવ્યું હતું. પોલીસે તેનો પીછો કરતાં કારચાલક શ્રીકૃષ્ણ ગૌશાળાની દીવાલ પાસે કાર મૂકીને નીચે ઉતરી ગયો હતો અને ટ્રાફિક, અંધારું તથા રસ્તાની બાજુમાં આવેલી બાવળની ઝાડીઓનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા પીછો કરવા છતાં તે પકડાયો ન હતો.

ત્યારબાદ પોલીસે જીજે-39-સીએ-0128 નંબરની ક્રેટા કારની તપાસ કરતાં તેમાંથી ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ બ્લેન્ડેડ વ્હિસ્કીની 180 મિલીની 624 બોટલ, જેની કિંમત રૂ. 84,240, તથા 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની 180 મિલીની 3,120 બોટલ, જેની કિંમત રૂ. 4,21,200, મળી આવી હતી. આમ, કુલ 3,744 બોટલની કિંમત રૂ. 5,05,440 થાય છે. આ ઉપરાંત રૂ. 10 લાખની ક્રેટા કાર કબજે કરવામાં આવી છે.

આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર ચાલક અને તપાસમાં સામે આવતા અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ તથા શોધખોળ માટે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande