જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ
સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.): સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં કલેકટરએ જનપ્રતિનિધિઓની રજૂઆતો, પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવે તે દિશામાં કાર્
Meeting of the District Coordination


સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.): સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.

બેઠકમાં કલેકટરએ જનપ્રતિનિધિઓની રજૂઆતો, પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવે તે દિશામાં કાર્ય કરવા અને સરકારે જે જવાબદારી સોંપી છે તેને નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવા સૌ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

બેઠકમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ પાલી-સચિન-કનસાડના ફા.પ્લોટ નં.202 (SEWS) રિઝર્વેશન પ્લોટમાં રેલવે વિભાગ દ્વારા કરેલ કબજો અને તેના આધાર અંગે પ્રશ્ન ઉઠાવતા કલેકટરએ સુરત મનપાના અધિકારીને ઝડપથી જરૂરી તપાસ કરાવવા જણાવ્યું હતું. દેસાઈએ ડુમસના જલારામ મંદિર સ્થિત પાળા પરથી નીચે ઉતરવા માટે પગથિયાં બનાવવા, નવા બમરોલી રોડ પર તેમજ ડીંડોલી ગુરુદત્ત પોઈન્ટ પરની જેટકોની 66 કે.વી.ની ઓવરહેડ હાઈટેન્શન લાઇનને અંડર ગ્રાઉન્ડ કરવા, ભીમપોર ગામે શબરીધામ પાસે કુદરતી તળાવનું વિસ્તૃતિકરણ અને બ્યુટીફિકેશન કરવા, ગાયપગલા તીર્થધામ ખાતે વનકુટીર બનાવવા, નેશનલ હાઈવે પર આવેલા દીપલી ગામ અને દામકા ગામમાં માર્ગ પર અકસ્માત થતા હોય સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે કલેકટરએ સંબધિત અધિકારીઓને કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયાએ કતારગામના લલિતાચોકડી પર શ્રમિક અન્નપૂર્ણાના સ્ટોલના કારણે સર્જાતા ટ્રાફિક જામના નિવારણ માટે અન્નપૂર્ણાના સ્ટોલને અન્યત્ર જગ્યાએ ખસેડવા, નાની વેડના અંબાજી મંદિર પાસે સબ સ્ટેશનને હટાવવા રજૂઆત કરી હતી. જેના હકારાત્મક ઉકેલની કલેકટરએ ખાતરી આપી હતી. સરકારી અનાજની દુકાનો દ્વારા ગ્રાહકોને સડેલ અનાજ આપવામાં આવી રહ્યું હોઈ તેમજ નિર્ધારિત સમય સુધી દુકાન ખુલ્લી ન રાખનાર દુકાનદાર સામે પગલા લેવા, સસ્તા અનાજની દુકાનો પર બોર્ડ લગાવવાની રજુઆત કરતા કલેકટરએ યોગ્ય કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવા પૂરવઠા અધિકારીને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કેટલા અંડર ગ્રાઉન્ડ સંપ અને ટાંકી ઓવરહેડ ટાંકીઓ બનાવવામાં આવી તેની વિગતો તેમજ સુરત દાંડી રોડ કામગીરી નબળી કક્ષાની થઈ હોય યોગ્ય તપાસ કરાવવા, સાયણ-જહાંગીરપુરા- ઈચ્છાપોર રોડ ઉપર જહાંગીરપુરાથી ઈચ્છાપુર સુધી રોડ સાઈડ ખુલી જગ્યા (કટ)ના કારણે સર્જાતા ગંભીર અકસ્માતો અને વાહનચાલકોના મૃત્યુ થતાં અટકાવવા આવા રોડ ડિવાઈડર કટને તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરી હતી. ઉપરાંત, ગુજરાત ગેસ કંપની દ્વારા ઓલપાડ તાલુકામાં લોકોએ નવા ગેસ કનેક્શન મેળવવા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હોવા છતાં ગેસ કનેક્શન આપવામાં આવતા ન હોય યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત સંદર્ભે કલેકટરએ સંબંધિત અધિકારીઓને જરૂરી તાકીદ કરી હતી.

બેઠકમાં ધારાસભ્ય સર્વ સંદિપભાઇ દેસાઈ, વિનોદભાઈ મોરડિયા, મુકેશભાઈ પટેલ, મોહનભાઈ ઢોડીયા, જિ.વિકાસ અધિકારી દેવેન્દ્રપ્રકાશ મીના, નિવાસી અધિક કલેકટર હિરેન ચૌહાણ, સુરત નાયબ વનસંરક્ષક ધીરજકુમાર, પોલીસ અધિકારીઓ તથા તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande