
મહેસાણા, 17 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના બાગાયતી ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરવાની મુદત 30 ઓક્ટોબર 2026 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. વધુમાં વધુ ખેડૂતો યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી મુદત વધારવાનો નિર્ણય લેવાયો છે.
નાયબ બાગાયત નિયામક, મહેસાણાની યાદી અનુસાર વર્ષ 2026-27 માટે બાગાયત વિભાગની ત્રણ યોજનાઓ હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાની યોજના, બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનું વાવેતર વધારવાની યોજના અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે આદુ-હળદર જેવા પાકોને પ્રોત્સાહન આપવાની યોજનાનો સમાવેશ થાય છે.
ફિલ્ડ કવર યોજના હેઠળ એક હેક્ટર માટે મહત્તમ રૂ. 2 લાખની સહાય મળશે. બહુસ્તરીય ફળપાક વાવેતર માટે પણ નિયત જોગવાઈ મુજબ સહાય આપવામાં આવશે. જ્યારે આદુ-હળદરની યોજના હેઠળ અનુસૂચિત જાતિના ખેડૂતોને ખર્ચના 75 ટકા અથવા મહત્તમ રૂ. 75,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર છે.
ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in/ પર આધાર ઓથેન્ટિકેશન સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ અને જરૂરી સાધનિક દસ્તાવેજો મંજૂરી બાદ નાયબ બાગાયત નિયામકની કચેરી, બહુમાળી ભવન, મહેસાણા ખાતે જમા કરાવવાના રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR