રાજકોટમાં કુળદીપકને જન્મ આપી જનેતાનું આંચકી ઉપડતા મોત
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : જીવનની સફરનો અંત ક્યારે આવી જાય તે કહેવું અશક્ય છે. આવી જ એક અત્યંત કરૂણ ઘટના રાજકોટના મવડી વિસ્તારમાં સામે આવી છે. જેમાં ૨૮ વર્ષીય પરિણીતાએ પુત્રને જન્મ આપ્યા બાદ અચાનક તબિયત લથડતાં સારવારમાં દમ તોડી દીધો હતો. એક તરફ ઘ
બાળકને જન્મ આપી મૃત્યુ પામનાર જનેતા


રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : જીવનની સફરનો અંત ક્યારે આવી જાય તે કહેવું અશક્ય છે. આવી જ એક અત્યંત કરૂણ ઘટના રાજકોટના મવડી વિસ્તારમાં સામે આવી છે. જેમાં ૨૮ વર્ષીય પરિણીતાએ પુત્રને જન્મ આપ્યા બાદ અચાનક તબિયત લથડતાં સારવારમાં દમ તોડી દીધો હતો. એક તરફ ઘરમાં નવા મહેમાનનું આગમન થતાં પરિવાર ખુશી મનાવી રહ્યો હતો, ત્યાં બીજી જ ક્ષણે માતૃત્વ ધારણ કરનાર નવજાત બાળકની છત્રછાયા છીનવાઈ જતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના મવડી બાપા સીતારામ ચોક પાસે આવેલ માટેલ સોસાયટી-૧માં રહેતા અંકિતાબેન દિવ્યેશભાઈ ગોંડલીયા (ઉંમર વર્ષ ૨૮)ને પ્રસુતિની પીડા ઉપડતાં તેમને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સાંજના આશરે સાડા પાંચ વાગ્યે સીઝેરિયન ડિલીવરીથી સ્વસ્થ દિકરાને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ થતાં જ સમગ્ર પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી. ડિલીવરી બાદ એકાએક અંકિતાબેનની તબિયત ગંભીર રીતે બિગડી હતી અને તેમને આંચકી ઉપડવા લાગી હતી. સ્થિતિ નાજુક જણાતાં તેમને વધુ તબીબી સારવાર અર્થે તાત્કાલિક ગોંડલથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ બનાવ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. અંકિતાબેનના મૃત્યુનું ચોક્કસ અને સચોટ કારણ જાણી શકાય તે માટે તેમના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જોકે, પ્રાથમિક વિગતો મુજબ મૃતકના પરિવારજનો દ્વારા સારવારમાં કોઈની બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો નથી.

મૃતક અંકિતાબેનના લગ્ન દોઢ વર્ષ પહેલાં જ થયા હતા અને તેમના માવતર જામનગરમાં રહે છે. તેમના પતિ દિવ્યેશભાઈ દામજીભાઈ ગોંડલીયા મેટોડા જી.આઈ.ડી.સી.માં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. એક તરફ નવજાત શિશુના આગમનની ઉજવણીનો માહોલ હતો, તો બીજી તરફ માતાની જ છત્રછાયા ઉઠી જતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande