
Gujarat, 17 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર શહેરમાં જાહેર માર્ગો પર રખડતાં પશુઓની
સમસ્યાના નિયંત્રણ, નાગરિકોની સલામતી અને વાહનવ્યવહારને
વધુ સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં
આવશે. મહાનગરપાલિકાના એનિમલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગ દ્વારા શહેરમાં પશુમાલિકોનાં પશુઓની
વોર્ડવાઇઝ નોંધણી કરવાની કામગીરી તા. 1 ઓગસ્ટ,2026થી તા. 15 ઓક્ટોબર, 2026 સુધી હાથ ધરવામાં આવી હતી. ભારત
સરકારની વર્ષ 2023ની
માર્ગદર્શિકા અનુસાર હાથ ધરવામાં આવેલી આ નોંધણીની મુદત પૂર્ણ થઈ છે. આથી હવે
જાહેર માર્ગો અને જાહેર સ્થળોએ રખડતાં જોવા મળતાં માલિકીનાં પશુઓ સામે નિયમોનુસાર
કાર્યવાહી કરવામાં આવશે, તેમ પોરબંદર મહાનગરપાલિકાના મેયર
સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું.
મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે, શહેરમાં જાહેર માર્ગો પર રખડતાં પશુઓના
કારણે નાગરિકોની અવરજવર, વાહનવ્યવહાર અને જાહેર સલામતીને લગતી
સમસ્યાઓ ઊભી થતી હોય છે. ખાસ કરીને વ્યસ્ત માર્ગો, રહેણાક વિસ્તારો અને જાહેર સ્થળોએ પશુઓ રખડતાં રહેવાને કારણે
વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી પરિસ્થિતિને
નિયંત્રિત કરવા અને પશુમાલિકોમાં જવાબદારીની ભાવના વિકસે તે માટે મહાનગરપાલિકા
દ્વારા પશુઓની નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધણી માટે પૂરતો સમય
આપવામાં આવ્યા બાદ હવે તેની મુદત પૂર્ણ થઈ હોવાથી જાહેર માર્ગો પર પશુઓને રખડતાં
મૂકતા પશુમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પશુ નોંધણી માટેની છેલ્લી તારીખ તા.15 ઓક્ટોબર, 2026 નક્કી કરવામાં આવી હતી. આ સમયમર્યાદા
પૂર્ણ થયા બાદ હવે એનિમલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં
દેખરેખ રાખીને જાહેર માર્ગો અને સ્થળોએ રખડતાં માલિકીનાં પશુઓને પકડવાની કામગીરી
હાથ ધરવામાં આવશે. જાહેર સ્થળોએ પશુઓ રખડતાં જોવા મળશે તો સંબંધિત પશુમાલિકને રૂ. 4,000નો દંડ કરવામાં આવશે. આ ઉપરાંત
પકડાયેલા પશુની નોંધણી તથા દંડનીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવ્યા બાદ જ તેને મુક્ત
કરવામાં આવશે. તેથી પશુમાલિકોએ આ બાબતને ગંભીરતાથી લઈને સમયસર જરૂરી કાર્યવાહી
કરવી આવશ્યક છે. મેયર સાગરભાઈ મોદીએ શહેરના પશુપાલકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું
હતું કે, જે પશુમાલિકોએ હજુ સુધી પોતાનાં
પશુઓનું નોંધણીકરણ કરાવ્યું નથી, તેઓએ
વિલંબ કર્યા વિના મહાનગરપાલિકાના સંબંધિત વિભાગનો સંપર્ક કરીને નોંધણી અંગેની
જરૂરી કાર્યવાહી પૂર્ણ કરે. પશુઓની નોંધણી કરાવવાની સાથે તેમને યોગ્ય જગ્યાએ
રાખવાની જવાબદારી પણ પશુમાલિકોની છે. પશુપાલકોએ પોતાનાં પશુઓને પોતાના રહેણાક મકાન, ડેલા અથવા અન્ય યોગ્ય સ્થળે રાખવાં
જોઈએ અને તેમને જાહેર માર્ગો પર રખડતાં મૂકવાં નહીં. શહેરના જાહેર માર્ગો તમામ
નાગરિકોના ઉપયોગ માટે છે. રસ્તાઓ પર પશુઓ રખડતાં રહેતાં હોય તો વાહનચાલકોને અચાનક
બ્રેક મારવાની કે વાહન વાળવાની ફરજ પડી શકે છે, જેના કારણે અકસ્માતની શક્યતા ઊભી થાય છે. આ ઉપરાંત રાહદારીઓ, બાળકો, વૃદ્ધો અને અન્ય નાગરિકોની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. આવી
પરિસ્થિતિ ટાળવા માટે પશુમાલિકોએ પોતાના પશુઓની યોગ્ય સંભાળ રાખવી અને તેમને
નિયંત્રિત જગ્યાએ રાખવા જરૂરી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રાખવા માટે
વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં નાગરિકોની સાથે પશુપાલકોનો
સહયોગ પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે. પશુઓની નોંધણી કરાવવી, તેમને યોગ્ય જગ્યાએ રાખવાં અને જાહેર
માર્ગો પર રખડતાં ન મૂકવાં એ પશુમાલિકોની જવાબદારી છે. તેથી તમામ પશુપાલકો
મહાનગરપાલિકાની સૂચનાઓ અને લાગુ પડતા નિયમોનું પાલન કરે તથા શહેરની જાહેર સલામતી
જાળવવામાં સહયોગ આપે તેવી મેયર સાગરભાઈ મોદીએ અપીલ કરી છે. આમ, પશુ નોંધણીની મુદત પૂર્ણ થયા બાદ
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળોએ રખડતાં માલિકીનાં પશુઓ સામે કડક
કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya