
સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.): સુરત સ્થિત નવી સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગ અને રાજ્ય સરકારના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘પોષણ પુનર્વસન કેન્દ્ર’ (NRC) દક્ષિણ ગુજરાતના કુપોષિત બાળકોને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન પ્રદાન કરવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિને વધુ સુદ્રઢ, વ્યાપક અને અસરકારક બનાવવાના આશયથી સિવિલ હોસ્પિટલના NRC સેન્ટર ખાતે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત સેન્ટરમાં દાખલ થતા બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર ‘અમૃતમ ફાઉન્ડેશન’ના ભામાશા/દાતા કુંજબિહારી પનસારી સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) સંપન્ન કરવામાં આવ્યા છે.
આ MOU હેઠળ ફાઉન્ડેશન દ્વારા દર મહિને સેન્ટરમાં ઉપચાર હેઠળના બાળકો માટે પૌષ્ટિક ભોજન તથા કેન્દ્રની પરિસરગત સ્વચ્છતા માટે નાણાકીય અને સાધનસામગ્રીનો સહયોગ આપવામાં આવશે, જે બાળકોના શારીરિક અને માનસિક સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.
આ કેન્દ્ર ખાતે પ્રતિ વર્ષ આશરે 250 જેટલા અતિ કુપોષિત બાળકોને નિષ્ણાત તબીબોની સુપરવિઝન હેઠળ આધુનિક સારવાર, પોષણક્ષમ આહાર અને વાત્સલ્યસભર સંભાળ થકી સંપૂર્ણ સ્વસ્થ બનાવી તેમના ઘરે પુનઃ મોકલવામાં આવે છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફેબ્રુઆરી-2015થી નિરંતર સેવા આપી રહેલા આ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં સુરત શહેર તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના 3000થી વધુ કુપોષિત બાળકોને સફળ સારવાર આપીને નવજીવન બક્ષવામાં આવ્યું છે.
આ અવસરે નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આ ઉમદા અને સહયોગાત્મક પહેલ એ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘સુપોષિત બાળક અને સ્વસ્થ પરિવાર’ના દૂરંદેશી સંકલ્પને ચરિતાર્થ કરવાની દિશામાં એક પ્રશંસનીય પગલું છે. રાજ્ય સરકાર અને સામાજિક સંસ્થાઓના સમન્વયથી હાથ ધરાયેલ આ ભગીરથ પ્રયાસ આગામી દિવસોમાં સશક્ત, આત્મનિર્ભર અને સંપૂર્ણ કુપોષણમુક્ત ગુજરાતના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થશે.
આ અવસરે તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, આરએમઓ ડો.લક્ષ્મણ ટહેલાણી, બાળ રોગ વિભાગના વડા ડો. જિજ્ઞિશા પાટોડિયા, સામાજિક અગ્રણી ઈકબાલ કડીવાલા, ન્યુટ્રિશિયન, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે