
પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.)પાટણની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ બાલમંદિર અને કુમાર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાલમંદિરના નાના ભૂલકાઓ તેમજ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને ભારતીય સંસ્કૃતિ અને નવરાત્રી પર્વની આગવી છટા રજૂ કરી હતી. રંગબેરંગી પરિધાનમાં સજ્જ થયેલા વિદ્યાર્થીઓએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.
મહોત્સવના પ્રારંભે શાળાનાં આચાર્ય જશોદાબેન પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવારે માતાજીના ફોટા સમક્ષ પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ડીજેના તાલે વિદ્યાર્થીઓએ વિવિધ શૈલીમાં ગરબા રમીને પોતાની કળા અને ઉત્સાહનું પ્રદર્શન કર્યું હતું. નાના ભૂલકાઓથી લઈને ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓએ ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરંપરાગત ગરબાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને સામૂહિક ભાગીદારીની ભાવના જોવા મળી હતી.
વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે શાળાના આચાર્ય સહિત સ્ટાફ પરિવારના સભ્યોએ પણ ડીજેના તાલે ગરબા રમીને આનંદમાં સહભાગી બન્યા હતા. સમગ્ર શાળા પરિવાર માતાજીના ગરબે ઘૂમતાં ઉત્સવનો માહોલ વધુ રંગીન બન્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉત્સાહભરી ભાગીદારીએ નવરાત્રી મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. આ રીતે શાળામાં પરંપરા, સંસ્કૃતિ અને આનંદના સંગમ સાથે નવરાત્રી પર્વની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ