




પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખાણકામ અને ખનીજના બિનઅધિકૃત વહન સામે ખાણ-ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી અને ભુસ્તરશાસ્ત્રી કે. એન.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી મિતેષ મોદીની આગેવાનીમાં વિભાગની ટીમે વહેલી સવારે ચિંગરિયા અને ઉટડાં ગામે આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત ઓડદર ગામ નજીક પોરબંદર-સોમનાથ હાઇવે પર મંજૂર જથ્થા કરતાં વધુ ખનીજનું વહન કરતા ટ્રકને પણ સીઝ કરવામાં આવ્યો હતો. ચિંગરિયા ગામે બિલ્ડિંગ લાઇમસ્ટોનના ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાતાં ચાર જનરેટર મશીન, ત્રણ ટ્રેક્ટર અને નવ ચકેડી મશીન સહિત કુલ 16 મશીનરી
સીઝ કરવામાં આવી હતી.
આ મામલે તપાસ દરમિયાન નેરાણાના હરદાસ કારાભાઈ કારાવદરા, મેખડીના દેવેન્દ્ર કેશુભાઈ ટીંબા અને મંડેરના મનસુખ જીવાભાઈ બાલસનાં નામ સામે આવ્યાં છે. બીજી તરફ, ઉટડાં ગામે ગેરકાયદેસર બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનનમાં ઉપયોગમાં લેવાતાં ત્રણ ચકેડી મશીન સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે બળેજના રાજા સરમણ કોડિયાતરનું નામ તપાસમાં ખુલ્યું છે.દરમિયાન, ઓડદર ગામ નજીક પોરબંદર-સોમનાથ હાઇવે પર રોયલ્ટી પાસમાં મંજૂર જથ્થા કરતાં વધુ બિલ્ડિંગ લાઇમસ્ટોનનું વહન કરતા ટ્રકનંબર GJ25T9008ને સીઝ કરવામાં આવ્યો હતો. આ ટ્રકના માલિક તરીકે ઓડદરના ભરત અરભમ ઓડેદરાનું નામ સામે આવ્યું છે. ટ્રકમાં છ મેટ્રિકટન ખનીજના વહનના મામલે વિભાગે કાર્યવાહી કરી છે. ખાણ-ખનીજ વિભાગની સમગ્ર કાર્યવાહીમાં ચાર જનરેટર, ત્રણ ટ્રેક્ટર, 12 ચકેડી મશીન અને એક ટ્રક સહિત કુલ 20 સાધનો-વાહનો સીઝ કરવામાં આવ્યાં છે. આ તમામ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 40 લાખ હોવાનું જણાવાયું છે. વિભાગ દ્વારા મુદ્દામાલ સીઝ કર્યા બાદ સંબંધિત મામલાઓમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya