સોશિયલ મીડિયાના માધ્યમથી લોન મેળવવા જતા ખેડૂત સાથે સાયબર ફ્રોડ, રૂ. 75,870 ગુમાવ્યા
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : સોશિયલ મીડિયા પર સસ્તા વ્યાજે લોન આપવાની લોભામણી અને આકર્ષક જાહેરાતો મૂકી નિર્દોષ લોકોને પોતાના જાળમાં ફસાવતી સાયબર ફ્રોડ ગેંગ સક્રિય થઈ છે. રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સનાળી ગામે રહેતા અને ખેતીકામ કરતા 46 વર્ષીય દ
સાયબર ફ્રોડ


રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : સોશિયલ મીડિયા પર સસ્તા વ્યાજે લોન આપવાની લોભામણી અને આકર્ષક જાહેરાતો મૂકી નિર્દોષ લોકોને પોતાના જાળમાં ફસાવતી સાયબર ફ્રોડ ગેંગ સક્રિય થઈ છે. રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સનાળી ગામે રહેતા અને ખેતીકામ કરતા 46 વર્ષીય દશરથસિંહ નાનુભા ડોડીયા નામના ખેડૂત ફેસબુકમાં આવેલી લોનની રિલ્સ જોઈને રૂ. 75,870 ની ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. 'વિશ્વાસ અમારી સેવા, સંતોષ તમારી સફળતા' સૂત્ર સાથે ચાલી રહેલી આ ઠગાઈની જાળમાં ફસાઈને ખેડૂતે પોતાનું બેંક એકાઉન્ટ ખાલી કરી દીધું હતું. આ બનાવ અંગે વિંછીયા પોલીસ મથકમાં અજાણ્યા હિન્દીભાષી ફ્રોડ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવની વિગત અનુસાર, ગત 7 ઓક્ટોબરના રોજ ફરિયાદી પોતાના ઘરે ફેસબુક પર રીલ્સ જોઈ રહ્યા હતા. તે સમયે 'ગુજરાત જોબ્સ' નામના આઈડી પરથી 'ધનલક્ષ્મી લોન ફાઇનાન્સ'ની એક રીલ સામે આવી હતી, જેમાં ઓછા ક્રેડિટ સ્કોર પર પણ માત્ર 6.99% ના વ્યાજદરે સરળતાથી આધાર કાર્ડ પર લોન મેળવવાની આકર્ષક ઓફર આપવામાં આવી હતી. નાણાંની જરૂરિયાત હોવાથી ખેડૂતે રીલમાં આપેલા વોટ્સએપ નંબર (81306 52355) પર સંપર્ક કર્યો હતો. સામેથી ફોન કરનાર હિન્દીભાષી શખ્સે લોન પ્રક્રિયા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો મંગાવી રૂ. 3 લાખની લોન મંજૂર થઈ હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ સાયબર ઠગે લોન મંજૂરીના પ્રોસેસિંગ ચાર્જ પેટે રૂ. 2,160 નો ક્યૂઆર કોડ (સ્કેનર) મોકલી રકમ ટ્રાન્સફર કરાવી હતી. બીજા દિવસે ખાતામાં રકમ જમા ન થવાનું બાહનું કાઢી જીએસટી (GST) પેટે રૂ. 9,250 ની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ ભૂલથી રૂ. 9,260 ટ્રાન્સફર કરી દેતાં, ઠગે ચોક્કસ રૂ. 9,250 જ જમા કરાવવાના હોવાનું કહી ફરીથી રૂ. 9,250 ભરાવ્યા હતા. આમ, અલગ-અલગ ટેકનિકલ કારણો દર્શાવીને ઠગે ફરિયાદી પાસેથી તબક્કાવાર નાણાં પડાવવાનું ચાલુ રાખ્યું હતું.

ત્યારપછીના દિવસોમાં સાયબર ભોપાળું આગળ વધારતાં ઠગે ખાતામાં રૂ. 3.18 લાખના બદલે ભૂલથી રૂ. 3.37 લાખ જમા થઈ ગયાની ખોટી સ્લિપ બતાવી રૂ. 20,000 પરત મેળવી લીધા હતા. લોનની રકમ ન મળતા ખેડૂતે પૂછપરછ કરી તો વીમા પ્રીમિયમના નામે રૂ. 70,000 માંગવામાં આવ્યા હતા. પોતાની પાસે પૂરતા પૈસા ન હોવાનું કહેતાં ઠગે મદદનું નાટક કરી કટકે કટકે રૂ. 12,500, રૂ. 12,700 અને રૂ. 10,000 પણ ફોન પે મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. છતાં એકાઉન્ટમાં લોનના પૈસા જમા થયા નહોતા.

છેલ્લે, આરોપીએ વધુ રૂ. 11,000 લેટ ફી પેટે માગ્યા હતા. આથી કંટાળીને ખેડૂતે લોન રદ કરવા જણાવ્યું તો એકાઉન્ટ ક્લોઝ કરવાના નામે 72 કલાક બાદ પૈસા રિફંડ મળશે તેવી ખોટી ખાતરી આપી હતી. પરંતુ લાંબો સમય વિતવા છતાં નાણાં પરત ન મળતાં અને ઠગ દ્વારા પ્રતિસાદ આપવાનું બંધ કરાતાં પોતાની સાથે કુલ રૂ. 75,870 નો સાયબર ફ્રોડ થયો હોવાનો અહેસાસ ખેડૂતને થયો હતો. આખરે તેમણે સાયબર હેલ્પલાઇન અને પોલીસનો સંપર્ક કરી ધોરણસરની ફરિયાદ નોંધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande