રાજકોટ મનપામાં કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવામાં તંત્ર લાચાર: ૧૧ નોટિસ છતાં કાર્યવાહીના નામે નાટક
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ભાજપના જ શાસક પક્ષના કોર્પોરેટરોએ તંત્ર અને ઇજનેરો સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. ડામર રોડ અને પાણીની પાઇપલાઇનના કામોમાં વિલંબ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સીઓને વારંવાર નોટિસ આપવા છતાં કોઈ
રાજકોટ જનરલ બોર્ડ


રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ભાજપના જ શાસક પક્ષના કોર્પોરેટરોએ તંત્ર અને ઇજનેરો સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. ડામર રોડ અને પાણીની પાઇપલાઇનના કામોમાં વિલંબ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સીઓને વારંવાર નોટિસ આપવા છતાં કોઈ જ કડક કાર્યવાહી ન થતી હોવાથી તંત્ર પર સવાલો ઊઠ્યા હતા. અધિકારીઓના બચાવિયા વલણથી નારાજ થઈને મેયરે ટેન્ડરની શરતોમાં સુધારો કરવા કમિશનરને સૂચના આપી હતી.

બોર્ડની બેઠકમાં ભાજપના કોર્પોરેટર રક્ષિત કલોલાએ રોડ અને પાઇપલાઇનના કામો, ટેન્ડરની મુદત અને નોટિસ અંગે સવાલો પૂછ્યા હતા. જેમાં બહાર આવ્યું હતું કે ડામર રોડનું કામ કરતી ‘ક્લાસિક કન્સ્ટ્રક્શન’ એજન્સીને ૧૧ નોટિસો અને પાઇપલાઇનનું કામ કરતી ‘હાઇબોન્ડ ઇન્ફ્રા’ કંપનીને ૮ નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં કામો શરૂ થયા નથી. સીટી ઇજનેરો અને ડેપ્યુટી કમિશનરે સાથે મળીને આપેલા જવાબોમાં જણાવાયું હતું કે ક્લાસિક કન્સ્ટ્રક્શનને ૧૦૪ કરોડનું કામ અપાયું છે જેની મુદત માર્ચ-૨૦૨૭ સુધીની છે.

પરંતુ કોર્પોરેટરોનો સવાલ એ હતો કે જો મહિનાઓ સુધી કામ શરૂ જ ન થાય તો પ્રજાને શો જવાબ આપવો. આ ચર્ચામાં તંત્રએ એવો લૂલો બચાવ રજૂ કર્યો હતો કે ટેન્ડરની સંપૂર્ણ મુદત પૂરી ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કે બ્લેકલિસ્ટ કરવા જેવા આકરાં પગલાં લઈ શકાતાં નથી. અધિકારીઓના આ તારણ સામે અડધો ડઝનથી વધુ સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને માત્ર નોટિસો આપવાની પ્રક્રિયાને એક નાટક ગણાવી હતી.

બાંધકામ સમિતિના ચેરમેન અશ્વિન ભોરણીયા અને કોર્પોરેટર મનીષ ભટ્ટે આક્ષેપ કર્યો હતો કે ઇજનેરો અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર કંપનીઓને છાવરી રહ્યા છે. ખાતમુહૂર્ત કર્યા પછી પણ બે-બે વર્ષ સુધી સુવિધા ન મળતાં પ્રજાના રોષનો ભોગ જનપ્રતિનિધિઓને બનવું પડે છે. નોટિસનો સુધારા માટે કોઈ પ્રભાવ પડતો નથી અને ઉલટાનું કોન્ટ્રાક્ટરો માટે તે સગવડતા સમાન બની ગઈ છે. મહીલા કોર્પોરેટરોએ પણ માંગ કરી હતી કે માત્ર ત્રણ નોટિસ બાદ જ કડક પગલાં લેવાની સત્તા હોવી જોઈએ.

તમામ પક્ષો અને સભ્યોની રજૂઆતો સાંભળ્યા બાદ મેયર ડો. નેહલ શુક્લએ અધિકારીઓ સમક્ષ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ટેન્ડરની હાલની શરતો કંપનીઓની તરફેણ કરતી હોય તેવી છાપ ઊભી થઈ રહી છે. આથી હવે પછીના કામોમાં એજન્સીઓએ મહિનાવાઇઝ પ્રોગ્રેસ રિપોર્ટ આપવો પડે તેવી કડક જોગવાઈઓ ટેન્ડરની શરતોમાં ઉમેરવા માટે મ્યુનિસિપલ કમિશનરને સીધી સૂચના આપવામાં આવી હતી.

આ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ખાતરી આપી હતી કે કમ્પ્લેઇન્ટ અને ગુણવત્તા બાબતે ગમે ત્યારે કાર્યવાહી થઈ શકે છે અને વિલંબના કિસ્સામાં આકરા નિયમો બનાવવા ટેન્ડર કમિટીમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે. તદુપરાંત બ્લેકલિસ્ટ થયેલી કંપનીઓને ફરી કામ અપાય છે કે કેમ તે અંગેનો લેખિત જવાબ આપવા ઇજનેરોને નિર્દેશ અપાયા હતા. આ ગરમાગરમ ચર્ચા બાદ બોર્ડમાં અન્ય નાગરિક મુદ્દાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande