લૂંટ વિથ મર્ડરના આરોપીનું ક્રાઈમબ્રાન્ચ પર ફાયરિંગ : સ્વાબચાવમાં પોલીસે પગમાં ગોળી ધરબી
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા તન્વી એક્સપોર્ટ કારખાનાના મેનેજર લાલજી સરધારાની હત્યા કરી રૂ.૧.૫૩ કરોડની લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ગુનામાં સંડોવાયેલા ઉત્
પીએસઆઈ વી.ડી.ડોડીયા અને આરોપી


રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા તન્વી એક્સપોર્ટ કારખાનાના મેનેજર લાલજી સરધારાની હત્યા કરી રૂ.૧.૫૩ કરોડની લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ગુનામાં સંડોવાયેલા ઉત્તરપ્રદેશના કુખ્યાત શૂટર અનુરાગસિંહ રાજપૂતને હથિયાર રિકવરી માટે એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આર.કે. ઈન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસ પકડમાંથી છટકવા અને પોલીસ ટીમને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી છુપાવેલું હથિયાર કાઢીને ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના પગલે પોલીસ દ્વારા સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘટનાની વિગતો મુજબ, રાજસ્થાનથી ઝડપાયેલા ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના વતની અને હાલ રેપિડોમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા અનુરાગસિંહે પૂછપરછ દરમિયાન ગુનામાં વાપરેલા હથિયારો આર.કે. ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં છુપાવ્યા હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી. ડી. ડોડિયાની ટીમ પંચનામું કરવા પહોંચી હતી. જ્યાં તેણે એક હથિયાર પોલીસને સોંપ્યું હતું, પરંતુ અચાનક જ તેણે બીજું ગુપ્ત હથિયાર બહાર કાઢીને ક્રાઈમ બ્રાંચની ટીમ પર સનસનાટીભર્યો ગોળીબાર શરૂ કરી દીધો હતો. સદનસીબે આ હુમલામાં કોઈ પોલીસ કર્મચારીને ઈજા થઈ ન હતી.

પોલીસ પર સીધા હુમલાની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએસઆઈ ડોડિયાએ પોતાના સરકારી હથિયારમાંથી તાત્કાલિક સ્વબચાવમાં વળતો ગોળીબાર કર્યો હતો. આ જવાબી ફાયરિંગ દરમિયાન શૂટર અનુરાગસિંહના પગમાં ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.

આ અગાઉ સાયલા પંથકમાં પણ આવા જ પ્રકારની એક અન્ય પોલીસ કાર્યવાહી સામે આવી હતી, જેમાં નામચીન શખ્સે પોલીસ ટીમ પર ગોળીબાર કરતા વળતા હુમલામાં તેના બંને પગમાં ઈજા થઈ હતી. ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં અપરાધીઓ સામે થતી આ પ્રકારની કડક કાર્યવાહીને સામાન્ય રીતે 'હાફ એન્કાઉન્ટર' તરીકે સંબોધવામાં આવે છે. જો કે કાયદાકીય અને બંધારણીય દ્રષ્ટિકોણથી 'એન્કાઉન્ટર' કે 'હાફ એન્કાઉન્ટર' જેવા શબ્દોનું કોઈ કાનૂની અસ્તિત્વ નથી, પરંતુ પોલીસ દ્વારા કરાતી આત્મરક્ષણની કાર્યવાહીને લોકો આ નામથી ઓળખે છે.

આરોપી અનુરાગસિંહે અગાઉ ઉત્તરપ્રદેશમાં પણ સાપરાધ મનુષ્યવધ જેવા ગંભીર ગુના આચર્યા હોવાનો ઈતિહાસ ધરાવે છે. રાજકોટમાં મેનેજરની હત્યા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ હવે પોલીસ પર ફાયરિંગ કરવાના આરોપસર તેની સામે હત્યાના પ્રયાસ સહિતની નવી કલમો હેઠળ વધુ એક ગુનો નોંધી તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ આ મામલે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે કે આ ગેંગમાં તેની સાથે અન્ય કયા કયા શખ્સો સંડોવાયેલા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande