
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) : ગોંડલના ગુંદાળા ગામમાં આવેલા કારખાનાના સિક્યુરિટી ગાર્ડે એઆઈ અને ફોટોશોપ ટેકનોલોજીની મદદથી રેલવેની નકલી ટિકિટો બનાવવાનું કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા બે પ્રવાસીઓ નકલી ટિકિટ સાથે ઝડપાઈ જતાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી ટિકિટ બનાવી આપનાર સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણેય શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થઈ વાંકાનેર સ્ટેશન પહોંચી ત્યારે ટિકિટ નિરીક્ષક રાજેનસિંહ રાજપૂતે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન બે મુસાફરોના મોબાઈલ ફોનમાં રહેલી ટિકિટ જોઈને અધિકારીને શંકા ગઈ હતી. તેમણે ટિકિટની ઊંડાણપૂર્વક તપાસ કરતા તે નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી બંને મુસાફરોને તુરંત જ સુરેન્દ્રનગર આરપીએફના હવાલે કરવામાં આવ્યા હતા અને બાદમાં રાજકોટ રેલવે પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા મુસાફરોમાં કનૈયા ચૌધરી (ઉંમર વર્ષ ૪૩) અને એક સગીર વયનો યુવક શામેલ છે. કનૈયા મૂળ બિહારનો વતની છે, જ્યારે બીજો યુવક ઉત્તર પ્રદેશનો છે. આ બંને મુસાફરો હાલ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે આવેલ એક સ્થાનિક કારખાનામાં મજૂરી કામ કરતા હતા. બંનેને પોતાના વતન જવું હોવાથી તેમણે ટિકિટ મેળવવા માટે કારખાનામાં જ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડનો સંપર્ક કર્યો હતો.
ગુંદાળાના આ કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મનમોહનસિંહે આ બંને મુસાફરોને વતન જવાની ટિકિટ બનાવી આપવાની ખાતરી આપી હતી. તેણે આધુનિક એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સોફ્ટવેર અને ફોટોશોપની મદદથી આબેહૂબ દેખાતી રેલવેની નકલી ઈ-ટિકિટો તૈયાર કરી આપી હતી. આ નકલી ટિકિટોના બદલામાં સિક્યુરિટી ગાર્ડે બંને મુસાફરો પાસેથી રૂ. ૨,૦૦૦નો ચાર્જ પણ વસૂલ કર્યો હોવાનું ખુલવા પામ્યું છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રેલવેના પીએસઆઈ કુરેશીએ તાત્કાલિક કાર્યવાહી કરીને નકલી ટિકિટો બનાવી આપનાર સિક્યુરિટી ગાર્ડ મનમોહનસિંહની પણ અટકાયત કરી લીધી છે. પોલીસે આ રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરી છે કે આરોપીએ અગાઉ અન્ય કોઈ કારીગરો કે મુસાફરોને પણ આવી નકલી ટિકિટો બનાવી આપી છે કે કેમ. આ નકલી ટિકિટ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ રેલવે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt