
રાજકોટ, 17 ઓક્ટોબર (હિ.સ.) :
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં એક મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કટારિયા ચોકડી ખાતે નિર્માણ પામી રહેલા અત્યાધુનિક ડબલ ડેકર આઇકોનિક કેબલ બ્રિજનું નામકરણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વ. વિજયભાઇ રૂૂપાણીના નામ પર કરવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. મેયર ડો. નેહલ શુક્લ સહિતના અગ્રણી પદાધિકારીઓએ આ નિર્ણયને શહેરીજનોની ભાવનાઓનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.
સ્વ. વિજયભાઇ રૂૂપાણીની સામાજિક અને રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટની ધરતીથી થઈ હતી અને તેઓ હંમેશા લોકકલ્યાણ માટે અગ્રેસર રહ્યા હતા. તેમનો પરિવાર વર્ષોથી પુજીત ટ્રસ્ટના માધ્યમથી ઝૂપડપટ્ટીના વંચિત બાળકોના શૈક્ષણિક અને કારકિર્દી ઘડતર સહિતના અનેકવિધ માનવતાવાદી સેવાકાર્યો અવિરતપણે ચલાવી રહ્યો છે, જે તેમનો સમાજ પ્રત્યેનો અજોડ પ્રેમ અને સમર્પણ ભાવ દર્શાવે છે.
મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજકોટને સર્વાંગી વિકાસની ભેટ મળી છે. રાજકોટવાસીઓ માટે ગૌરવ સમાન એઇમ્સ હોસ્પિટલ, અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ફ્લાયઓવર બ્રિજ અને અદ્યતન રસ્તાઓ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ તેમના જ સક્રિય પ્રયાસોથી સાકાર થયા છે. તેમના આ અમૂલ્ય યોગદાનને આજીવન સ્મૃતિ તરીકે જાળવી રાખવા આ નિર્ણય લેવાયો છે.
રાજકોટવાસીઓ સ્વ. વિજયભાઇનું ઋણ ક્યારેય ચૂકવી શકે તેમ નથી. શહેરના વિકાસમાં તેમના આ મહામૂલા યોગદાનને નવી પેઢી હંમેશા યાદ રાખે અને પ્રેરણા મેળવતી રહે તે હેતુસર બ્રિજનું નામકરણ તેમના નામ પર કરવું એ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે, તેવી સમગ્ર શહેરીજનોની પ્રબળ લાગણી આ ઠરાવ દ્વારા પરિપૂર્ણ થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt