
સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.) : સુરતના અલથાણ-વેસુ રોડ પર ટ્યુશન ક્લાસ જવા નીકળેલી બે સગી બહેનોને પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે પાછળથી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં નાની બહેન નેહા ખરવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે મોટી બહેન નિક્કી ખરવારને ઈજાઓ પહોંચી હતી. પરિવારના જણાવ્યા મુજબ, બંને બહેનો મોપેડમાં પેટ્રોલ ભરાવવા જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ ડમ્પરચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
અકસ્મતામાં ગંભીર રીતે ઘવાયેલી બંને બહેનોને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યારબાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી સિવિલ હોસ્પિટલ અને અંતે અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નેહાને પગમાં ગંભીર ઈજા થતાં તબીબોએ તાત્કાલિક ઓપરેશન કર્યું હતું, પરંતુ સારવાર દરમિયાન તેનો જીવ બચાવી શકાયો નહોતો. બીજી તરફ, નિક્કીની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. નેહાના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મૃતકના ભાઈ સંદીપ ખરવારે આક્ષેપ કર્યો હતો કે ડમ્પર માલિકનો સંપર્ક કરતાં તેણે જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ડ્રાઇવર ફરાર થઈ ગયો હોવાનું કહી હાથ ઊંચા કરી દીધા હતા. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા આ પરિવારમાં માતા આંગણવાડીમાં કામ કરીને અને અન્ય સભ્યો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. પરિવારની માગ છે કે ફરાર ડમ્પરચાલકને ઝડપીને તેની સામે તેમજ જવાબદાર વાહન માલિક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે