



પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) : કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા પોરબંદર
લોકસભા મતવિસ્તારના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને કુતિયાણા સ્થિત મોડદર
ટ્રસ્ટ સંચાલિત એસ. એમ. જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા
કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મંત્રીએ યુવાનો સાથે સીધો સંવાદ સાધીને
વિકસિત ભારત-2047ના
નિર્માણમાં તેમની ભૂમિકા,
રાષ્ટ્રપ્રેમ, નેતૃત્વ અને નાગરિક કર્તવ્યો અંગે
પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ
માંડવિયાએ જણાવ્યું હતું કે, આઝાદીના
અમૃત મહોત્સવથી લઈને વર્ષ 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીનો ૨૫ વર્ષનો અમૃતકાળ ભારતને આત્મનિર્ભર
અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનીછે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં
આવેલા ‘પંચ પ્રણ’નો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા
દેશના 140
કરોડ નાગરિકોએ સાથે મળીને સંકલ્પબદ્ધ થવું પડશે. ગુલામીની માનસિકતામાંથી મુક્તિ, રાષ્ટ્રગૌરવ, એકતા અને અખંડિતતા, દેશના સમૃદ્ધ વારસા પ્રત્યે ગૌરવ તથા
નાગરિકોએ કર્તવ્યોનું પાલન એ રાષ્ટ્રનિર્માણના પાયાના આધારસ્તંભો છે. તેમણે
યુવાનોને દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ પ્રત્યે જાગૃત રહી રાષ્ટ્રના વિકાસમાં
સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ભારતની યુવા શક્તિની મહત્તા સમજાવતાં
મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત
વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે અને દેશની આશરે 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે. આથી વિકસિત
ભારત-2047ના
સ્વપ્નને સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા નિર્ણાયક રહેશે. આજની ‘જેન-ઝી’ પેઢીને
સંબોધતાં તેમણે ચરિત્રનિર્માણ, સંસ્કાર, સેવા, સમર્પણ, વડીલો પ્રત્યે આદર, સ્વાવલંબન અને કઠોર પરિશ્રમ જેવા
મૂલ્યોને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રસેવા માટે કોઈ મોટા હોદ્દાની
આવશ્યકતા નથી. વિદ્યાર્થી,
શિક્ષક, કર્મચારી કે અન્ય કોઈપણ નાગરિક ‘નેશન ફર્સ્ટ’ની ભાવના સાથે પોતાની
ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે તો તે પણ રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વનું યોગદાન છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશભરમાં
એક લાખ યુવા નેતાઓ તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રયાસો થઈ રહ્યા છે. યુવાનોના
વિચારોને પ્રોત્સાહન આપવા,
કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવા તથા
તેમનામાં રાષ્ટ્રપ્રેમ અને નેતૃત્વના ગુણો વિકસાવવા ‘માય ભારત’ પોર્ટલ
મહત્ત્વપૂર્ણ માધ્યમ બન્યું છે. આ પોર્ટલના માધ્યમથી સરહદી ગામડાંઓની મુલાકાત તથા
સિયાચીન ગ્લેશિયર જેવા પડકારજનક વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનો સાથે સંવાદ જેવી
પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં સાહસ, જવાબદારી અને રાષ્ટ્રસેવાની ભાવના કેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયાના વર્તમાન યુગમાં માહિતીની
વિશ્વસનીયતા અંગે સાવચેત રહેવા યુવાનોને અનુરોધ કરતાં મંત્રીએ અફવાઓથી દૂર રહી
વિશ્વસનીય સમાચાર માધ્યમો દ્વારા સાચી માહિતી મેળવવા અને દેશની એકતા તથા સ્થિરતાને
નુકસાન પહોંચાડતા પ્રયાસો સામે જાગૃત રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં
ભારત સુરક્ષા અને સમૃદ્ધિના ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ત્યારે યુવાનોએ ‘નેશન
ફર્સ્ટ’ના મંત્રને જીવનમાં ઉતારી ‘વી વિલ ડૂ ઇટ’ના સંકલ્પ સાથે ભારતને નશામુક્ત
અને વર્ષ 2047
સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા પોતાનું યોગદાન આપવું જોઈએ.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમેશભાઈ
ઓડેદરા, મેનેજિંગ ટ્રસ્ટી કેતન મોડેદરા સહિત
સ્થાનિક અગ્રણીઓ, કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં
વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya