



પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.)કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ પોરબંદર
લોકસભા સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર જિલ્લાના બિલડી, ચોલિયાણા, ખીજદળ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે
આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન તેમણે સ્થાનિક પ્રશ્નો, ખેતીની સ્થિતિ, ખેડૂતોની જરૂરિયાતો તથા વિસ્તારના
વિકાસકાર્યો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી.
મંત્રીએ બિલડી ગામ સ્થિત બલાડ માતાજીના મંદિર
અને ચોલિયાણા ગામ સ્થિત રામેશ્વર મહાદેવના દર્શન કરી વિસ્તારની શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના
કરી હતી. ત્યારબાદ તેમણે ગ્રામજનો સાથે મોસમના ઊભા પાક અને આગામી શિયાળુ પાક અંગે
ચર્ચા કરી ખેડૂતો પાસેથી ખેતીની વર્તમાન સ્થિતિ અને ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નોની
જાણકારી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીએ સંબંધિત અધિકારીઓ
પાસેથી વિસ્તારમાં ચાલી રહેલાં વિવિધ સિંચાઈનાં કામો તેમજ તળાવ ઊંડા કરવાની
કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કામગીરીની પ્રગતિ અને અમલીકરણની સમીક્ષા
કરતાં મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, વિકાસકાર્યોની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ થવી જોઈએ નહીં.
તમામ કામો નિર્ધારિત ગુણવત્તાનાં ધોરણો અનુસાર થાય અને કામગીરીમાં ગુણવત્તા જળવાઈ
રહે તે સુનિશ્ચિત કરવા તેમણે સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક સૂચના આપી હતી.
વધુમાં, મંત્રીએ ગ્રામજનોના વિવિધ પ્રશ્નો સાંભળી તેના યોગ્ય નિરાકરણ માટે
સ્થળ પરજ હકારાત્મક નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી હતી અને સરકારની વિવિધ
ખેડૂતલક્ષી યોજનાઓ અને સબસિડીની જોગવાઈઓ અંગે જાણકારી આપી હતી. ખેડૂતો સરકારી
યોજનાઓનો લાભ મેળવી શકે અને ખેતીને લગતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે દિશામાં
તેમણે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, કુતિયાણા મામલતદાર બી. આર. સુમરા, રાણાવાવ મામલતદાર હર્ષદ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમેશભાઈ
ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ ઓડેદરા, પૂર્વ કુતિયાણા નગરપાલિકા પ્રમુખ ઢેલીબેન
ઓડેદરા, અગ્રણી ભરતભાઈ ઓડેદરા, લીલાભાઈ રાવલીયા સહિત બહોળી સંખ્યામાં
ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya