વેરાવળ-રાજકોટ ટ્રેનમાં એકલા મુસાફરી કરતું બાળક મળી આવ્યું, આરપીએફએ જેતલસર જીઆરપીને સોંપ્યું
ભાવનગર 19 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF)ના સતર્ક અને સંવેદનશીલ કર્મચારીઓએ માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં એકલો મુસાફરી કરી રહેલા સગીર બાળકને સુરક્ષિત સંભાળ અને રક્ષણ માટે રેલવે પોલીસ (GRP) જેતલસરમાં
ટ્રેનમાંથી મળી આવેલ બાળક સાથે આરપીએફ અને જીઆરપી કર્મીઓ


ભાવનગર 19 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF)ના સતર્ક અને સંવેદનશીલ કર્મચારીઓએ માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં એકલો મુસાફરી કરી રહેલા સગીર બાળકને સુરક્ષિત સંભાળ અને રક્ષણ માટે રેલવે પોલીસ (GRP) જેતલસરમાં સોંપ્યો હતો.

ભાવનગરના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 16 ઓક્ટોબર, 2026ના રોજ પેસેન્જર ટ્રેન નંબર 59424 (વેરાવળ–રાજકોટ)માં એક સગીર બાળક એકલો મળી આવ્યો હતો. એક મુસાફર બાળકને RPF પોસ્ટ, જેતલસર ખાતે લઈ આવ્યો હતો, જ્યાં ફરજ પર તૈનાત ASI દીપક મીનાએ તેની પૂછપરછ કરી હતી. બાળકે પોતાનું નામ રુદ્ર, પિતાનું નામ અમિત ગુપ્તા, ઉંમર આશરે 12–13 વર્ષ અને રહેવાસી બોઇસર, મહારાષ્ટ્ર હોવાનું જણાવ્યું હતું.

પૂછપરછ દરમિયાન બાળકે જણાવ્યું હતું કે તે ઘરમાં કોઈને જાણ કર્યા વિના ટ્રેનમાં બેસીને અહીં આવી ગયો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ASI દીપક મીનાએ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અને GRP- જેતલસરને જાણ કરી હતી. ચાઇલ્ડ હેલ્પલાઇન તરફથી મળેલી સલાહ અનુસાર, બાળકની સુરક્ષા, સંભાળ અને બાળકલ્યાણ સંબંધિત જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન માસ્ટર, જેતલસરની હાજરીમાં બાળકને GRP- જેતલસરમાં સોંપવામાં આવ્યો હતો, જેથી નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરી શકાય.

આ કામગીરીની પ્રશંસા કરતાં ભાવનગરના મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ RPF કર્મચારીઓની સતર્કતા, તત્પરતા અને સંવેદનશીલતાની સરાહના કરી હતી. મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર, અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળ RPF દ્વારા બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે સંબંધિત એજન્સીઓ સાથે સંકલન સાધીને ત્વરિત અને સંવેદનશીલ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા દળ અને સંબંધિત એજન્સીઓના સંકલનથી આવા કિસ્સાઓમાં ત્વરિત, સંવેદનશીલ અને જવાબદારીપૂર્વકની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે જો તેમને ટ્રેન અથવા સ્ટેશન પર કોઈ બાળક એકલું અથવા અસહાય સ્થિતિમાં જોવા મળે, તો તાત્કાલિક રેલવે સુરક્ષા દળ અથવા ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર જાણ કરે, જેથી સમયસર જરૂરી સહાય પૂરી પાડી શકાય. ભાવનગર મંડળ મુસાફરોની સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવાની સાથે બાળકો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની સહાય તથા સુરક્ષા માટે હંમેશાં સતર્ક, સંવેદનશીલ અને પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande