
રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં કાકા-કાકી સાથે રહેતી મૂળ ઉત્તર પ્રદેશની ૧૪ વર્ષની સગીરા ખુશ્બુ વિજયકુમાર બિન્દનો રૂમમાંથી ગળામાં ચુંદડી વીંટાળેલી અને બેભાન હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં જ શાપર પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલો શંકાસ્પદ જણાતા સાચું કારણ બહાર લાવવા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલ ખસેડી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
મૃતક ખુશ્બુ પાંચેક મહિના પહેલાં જ ઉત્તર પ્રદેશથી પોતાના કાકા રાજેન્દ્ર બિન્દના ઘરે આવી હતી. કાકા અને કાકી શાપરમાં આનંદ ગેટ પાસે ભૂમિ ઈન્ડસ્ટ્રીઝ નજીક રહે છે અને તેમને નાની દીકરી હોવાથી તેની દેખરેખ રાખવા માટે ખુશ્બુને અહીં બોલાવવામાં આવી હતી. ગત બપોરે કાકા બહારથી ઘરે આવ્યા ત્યારે બે રૂમના મકાનમાંથી બીજા રૂમમાં સૂતેલી ખુશ્બુ બેભાન હાલતમાં મળી આવી હતી, જેના ગળામાં ચુંદડી વીંટાળેલી હતી.
બનાવ અંગે ખુશ્બુના કાકાએ પોલીસને જણાવ્યા મુજબ, ખુશ્બુએ ગળામાં ચુંદડી નાખી તેના બંને છેડા ખેંચીને ગળાફાંસો ખાધો હતો અને તે પહેલાં તેણે કોઈ ઝેરી દવા પીધી હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી. બાદમાં તેને તાત્કાલિક સારવાર અર્થે શાપર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સગીરાએ આ પગલું કેમ ભર્યું તે અંગે કાકા-કાકીએ પોતે અજાણ હોવાનું જણાવ્યું છે.
મૃતક ખુશ્બુ બે બહેન અને એક ભાઈમાં નાની હતી અને તેના પિતા ઉત્તર પ્રદેશમાં છૂટક કામકાજ કરે છે. પુત્રીના આકસ્મિક મૃત્યુની જાણ થતાં પિતા પણ રાતોરાત ઉત્તર પ્રદેશથી રાજકોટ પહોંચી ગયા હતા. હાલમાં શાપર પોલીસે સગીરાના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને તે મુજબ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt