
રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) : ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામની સીમમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસ કાર્યવાહી દરમિયાન ખેતરમાંથી 10.485 કિલોગ્રામ વજનના ગાંજાના ત્રણ છોડ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 5,24,250 થાય છે. આ કેસમાં કોટડાસાંગાણીના દેતડીયા ગામના ખેડૂત લાભુ કરશન ચાવડાની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત આ સફળતા મળી છે. એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. મિશ્રા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કરમાળ કોટડા ગામની સીમમાં સારણ નદી પાસે આવેલી વારસાઈ વાડીમાં પ્રતિબંધિત વનસ્પતિનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા ખેડૂતે કબૂલાત કરી હતી કે તે લાંબા સમયથી ગાંજાના નશાનો બંધાણી છે અને આ વાવેતર પોતાના અંગત ઉપયોગ માટે જ કર્યું હતું. આરોપી દર વર્ષે મુખ્ય પાકની આડમાં ગુપ્ત રીતે ગાંજાના છોડ ઉગાડતો હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી છે. ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા આ મામલે વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે જેથી આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી પણ બહાર લાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt