
ગીર સોમનાથ, 19 ઓક્ટોબર (હિ.સ.) : નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ, કોડીનાર ખાતે એક ભક્તિમય અને ભાવિક વાતાવરણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિસર ખાતે વિદ્યાની દેવી માં સરસ્વતીની મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું. આ સાથે જ 11 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક અને દિવ્ય કાર્યક્રમમાં શાળાના તમામ આદરણીય શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉત્સાહભેર જોડાયા હતા. યજ્ઞમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ આપીને સમગ્ર શાળા પરિસરમાં દિવ્ય ઊર્જા અને પવિત્રતાનો સંચાર થયો હતો.
કાર્યક્રમના સફળ સંપન્ન બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌ ભાવિકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. મ્યુ. ગર્લ્સ હાઇસ્કૂલ શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમથી સમગ્ર શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ