
રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે નિર્માણધીન પુલનું માર્ગ અને મકાન વિભાગના કમ્પલીશન સર્ટિફિકેટ વગર જ પૂર્વ સરપંચ દ્વારા ઉદ્ઘાટન કરી દેવામાં આવતા ચકચાર મચી છે. સરકારી મંજૂરી વગર અને કામ પૂર્ણ થયા વગર પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકાતા માનવ જિંદગી જોખમાવાનો ભય ઊભો થયો છે. આ ઘટના સંદર્ભે માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેરે ભાયાવદર પોલીસ મથકમાં રવિવારે પૂર્વ સરપંચ સામે ગુનો નોંધાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપલેટાના ગઢાળા એપ્રોચ રોડ પર પુલ બનાવવાનું કામ ઓક્ટોબર ૨૦૨૪થી શરૂ કરવામાં આવ્યું હતું. આ પુલનું નિર્માણ કાર્ય હજુ પૂર્ણ થયું નથી તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું ન હતું. આ સ્થિતિ વચ્ચે ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણ રાણાભાઈ ઉટડીયાએ બપોરના સમયે પુલનું લોકાર્પણ કરી દેતા વાહનવ્યવહાર માટે રસ્તો ખુલ્લો મુકાયો હતો.
આ ઘટના અંગે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના અધિક મદદનીશ ઈજનેર પ્રતીક દેલવાડીયાને વોટ્સએપ અને સોશિયલ મીડિયા મારફતે જાણ થઈ હતી. અધૂરા નિર્માણવાળા પુલ પરથી વાહનો પસાર થવાથી કોઈ પણ સમયે મોટી હોનારત સર્જાઈ શકે તેમ હોવાથી તંત્ર હરકતમાં આવ્યું હતું. ઈજનેરે તાત્કાલિક ભાયાવદર પોલીસ સ્ટેશનમાં જઈ પૂર્વ સરપંચ નારણ ઉટડીયા સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સરકારી કામગીરીમાં દખલગીરી કરવા તેમજ જાહેર જનતાની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ પૂર્વ સરપંચ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માર્ગ અને મકાન વિભાગે લોકોને અપીલ કરી છે કે સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી આ પુલનો ઉપયોગ કરવો નહીં. ભાયાવદર પોલીસે આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરી કાનૂની કાર્યવાહી તેજ બનાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt