રાજકોટ વોલ્વો ડેપોની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ : આવકમાં 47.89 ટકાનો વધારો
રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હેઠળ કાર્યરત રાજકોટ વોલ્વો ડેપો દ્વારા મુસાફરોને આરામદાયક, સમયસર અને ગુણવત્તાસભર પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ડેપો દ્વારા ડિજિટલ પેમેન્ટ, સ્ટાફ માર્ગદર્શન, સ્વચ્છતા
રાજકોટ બસ પોર્ટ


રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હેઠળ કાર્યરત રાજકોટ વોલ્વો ડેપો દ્વારા મુસાફરોને આરામદાયક, સમયસર અને ગુણવત્તાસભર પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ડેપો દ્વારા ડિજિટલ પેમેન્ટ, સ્ટાફ માર્ગદર્શન, સ્વચ્છતા ઝુંબેશ અને મુસાફરોના ફિડબેક આધારિત સુધારા જેવા બહુવિધ પગલાં લેવાતા ડેપોની આવક અને મુસાફરોની સંખ્યામાં વિક્રમજનક વધારો નોંધાયો છે.

1. આવક અને મુસાફરોની સંખ્યામાં આંખે ઉડીને વળગે તેવો વધારો

સપ્ટેમ્બર-2025 ની સરખામણીએ સપ્ટેમ્બર-2026 દરમિયાન રાજકોટ વોલ્વો ડેપોની કામગીરીમાં અસાધારણ સુધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર-2025 માં ડેપોની કુલ આવક ₹2,63,54,828 હતી, જે સપ્ટેમ્બર-2026 માં વધીને ₹3,89,75,416 પર પહોંચી ગઈ છે. આમ, એક જ વર્ષમાં ₹1,26,20,588 નો સીધો વધારો થયો છે, જે 47.89 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યા પણ 63,143 થી વધીને 1,50,599 થઈ ગઈ છે, જે ડેપોની સુધરેલી સેવાઓ અને લોકપ્રિયતાનો પુરાવો આપે છે.

2. QR કોડ ફિડબેક અને ઉત્કૃષ્ટ કામગીરીનું સન્માન

મુસાફરોની જરૂરિયાતોને સમજવા GSRTC દ્વારા માર્ચ-2026 થી QR કોડ આધારિત ફિડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, જેના માધ્યમથી અત્યાર સુધીમાં 34,000 થી વધુ મુસાફરોએ પોતાના પ્રતિસાદ આપ્યા છે. આ સિસ્ટમનો ઉપયોગ કરીને સેવાઓની ગુણવત્તામાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહિલા કંડક્ટર મમતાબેન રાજૈયાનું પ્રશંસાપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું છે, જેથી કર્મચારીઓમાં ઉત્સાહ અને ફરજ પ્રત્યેની જવાબદારીનો ભાવ જાગૃત રહે.

3. કર્મચારીઓને સતત માર્ગદર્શન અને સૌજન્યપૂર્ણ વ્યવહાર

ડેપો મેનેજર એન.વી. ઠુંમર દ્વારા કંડક્ટરો અને અન્ય સ્ટાફને મુસાફરો સાથે વિનમ્રતા અને સૌજન્યપૂર્વક વ્યવહાર કરવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. સ્ટાફ સાથે Google Meet ના માધ્યમથી ઓનલાઈન બેઠકો યોજીને મુસાફરોની ફરિયાદોના ત્વરિત નિરાકરણ અને તેમની સુવિધાઓ પર ધ્યાન આપવા જરૂરી સૂચનાઓ અપાય છે. ડેપો મેનેજર અને સ્ટેન્ડ સુપરવાઈઝરના આ ગ્રાહકલક્ષી અભિગમથી નિગમની સેવાઓની પ્રતિષ્ઠામાં સતત વધારો થઈ રહ્યો છે.

4. ડિજિટલ પેમેન્ટ સુવિધા અને દૈનિક વ્યવહારો

મુસાફરોને રોકડ વગર સરળતાથી ટિકિટ ચૂકવણીનો વિકલ્પ મળી રહે તે માટે ડેપો દ્વારા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પ્રોત્સાહિત કરવામાં આવી છે. આ આધુનિક સુવિધાને મુસાફરો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે, જેના પરિણામે હાલ ડેપો ખાતે દરરોજ સરેરાશ ₹2.50 લાખથી વધુ રકમનું ટ્રાન્જેક્શન ડિજિટલ માધ્યમથી થાય છે. આ પદ્ધતિથી ટિકિટિંગ પ્રક્રિયા ઝડપી બની છે અને રોકડની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.

5. એ.સી. લક્ઝરી અને વોલ્વો બસ સેવાઓનું વિસ્તરણ

રાજકોટ વોલ્વો ડેપો દ્વારા મુસાફરોના સુખદ પ્રવાસ માટે વિવિધ મહત્વના શહેરો સુધી એ.સી. લક્ઝરી અને વોલ્વો બસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એ.સી. લક્ઝરી બસો ભાવનગર, ઊના, દીવ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, મહુવા, અમરેલી, રાજુલા, જૂનાગઢ, મુન્દ્રા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દાહોદ જેવા સ્થળોને જોડે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા મુખ્ય માર્ગો પર પ્રીમિયમ વોલ્વો બસો સફળતાપૂર્વક દોડાવવામાં આવી રહી છે.

6. ઇલેક્ટ્રિક બસ સેવા અને પર્યાવરણની જાળવણી

હરિત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ વોલ્વો ડેપો દ્વારા ઇલેક્ટ્રિક બસ સેવાઓનું સંચાલન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઇકો-ફ્રેન્ડલી બસો હીરાસર એરપોર્ટ, મોરબી, જામનગર અને જૂનાગઢના રૂટ પર સેવાઓ આપી રહી છે. ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે અને મુસાફરોને શાંત, આધુનિક તેમજ ઝડપી મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થાય છે.

7. સ્વચ્છતા જાળવણી, દંડાત્મક કાર્યવાહી અને ભવિષ્યનું આયોજન

બસોમાં સ્વચ્છતા જાળવવા નિગમ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જાગૃતિ ફેલાવવા છતાં ગંદકી કરનારા મુસાફરો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ છે, જેમાં છેલ્લા બે મહિનામાં 20 મુસાફરો પાસેથી ₹100 લેખે દંડ વસૂલવામાં આવ્યો હતો. સમયસર બસ સેવા, સુરક્ષા અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપીને રાજકોટ વોલ્વો ડેપો મુસાફરોનો વિશ્વાસ જીતીને રાજ્યમાં એક આદર્શ મોડેલ ડેપો તરીકે ઉભરી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande