
અમરેલી, 19 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીગાસણ ગામે 15 ફૂટનો મહાકાય અજગર કૂવામાં ખાબકતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. કૂવામાં પડેલા અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેવાભાવી રમેશ કાતરીયાએ જીવના જોખમે ક્રેનની મદદથી કૂવામાં ઉતરીને અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ગીગાસણ ગામે આવેલા એક કૂવામાં મહાકાય અજગર ખાબકી ગયો હતો. આ અંગે જાણ થતાં અજગરને બચાવવા માટે રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અજગરનીn લંબાઈ આશરે 15 ફૂટ જેટલી હોવાથી તેને કૂવામાંથી બહાર કાઢવો પડકારજનક હતો.
આ દરમિયાન સેવાભાવી રમેશ કાતરીયાએ ક્રેનની મદદથી કૂવામાં ઉતરીને અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. અજગરને કોઈ ઇજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ અજગરને તેના કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન જીવદયા અને વન્યજીવો પ્રત્યેની સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. સેવાભાવી રમેશ કાતરીયાની કામગીરીની સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. વન્યજીવોને નુકસાન પહોંચાડવાને બદલે તેમને સુરક્ષિત રીતે બચાવીને કુદરતના ખોળે મુક્ત કરવાની આ કામગીરી સરાહનીય બની છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai