જામનગર: 325 વર્ષ જૂની જલાની જારની ગરબીમાં અનોખી પરંપરા
-દશેરાને બદલે અગિયારસની વહેલી સવારે માતાજીને આપવામાં આવે છે વિદાય જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં આશરે 325 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન પરંપરા ધરાવતી જલાની જારની ગરબી શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં દશેરાના
માતાજીની સ્થાપના અને ઉત્થાપન


-દશેરાને બદલે અગિયારસની વહેલી સવારે માતાજીને આપવામાં આવે છે વિદાય

જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં આશરે 325 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન પરંપરા ધરાવતી જલાની જારની ગરબી શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં દશેરાના દિવસે નવરાત્રિની પૂર્ણાહુતિ કરી માતાજીને વિદાય આપવામાં આવતી હોય છે, પરંતુ આ ગરબીમાં દશેરાને બદલે અગિયારસની વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે માતાજીને વિદાય આપવાની અનોખી પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે.

જલાની જારની ગરબીમાં પ્રથમ નોરતે મંત્રોચ્ચાર સાથે મા કનકાઈની ચલિત સ્થાપના કરવામાં આવે છે અને નવરાત્રિના દિવસો દરમિયાન ભક્તો દ્વારા ભાવપૂર્વક આરાધના કરાય છે. ત્યારબાદ અગિયારસની વહેલી સવારે ચાર વાગ્યે માતાજીનો પરંપરાગત છંદ ગાવામાં આવે છે. આ છંદ ગાન સાથે પુરુષો ગરબે રમે છે અને હમચી ખૂંદીને માતાજી પ્રત્યે અનન્ય ભક્તિ વ્યક્ત કરે છે. આ ધાર્મિક વિધિ બાદ મંત્રોચ્ચાર સાથે ઉથાપન કરી સવારે પાંચ વાગ્યે માતાજીને વિદાય આપવામાં આવે છે.

આ ગરબીમાં મા કનકાઈના પરંપરાગત છંદનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. ભક્તોમાં વર્ષોથી એવી અતૂટ શ્રદ્ધા છે કે આ છંદના શ્રવણ બાદ માતાજીએ ધારણ કરેલા હારમાંથી મળતું પુષ્પ પ્રસાદી સ્વરૂપે ઘરમાં રાખવું અત્યંત શુભ અને સૌભાગ્યવર્ધક ગણાય છે. આ પવિત્ર પ્રસાદ મેળવવા અને છંદ સાંભળવા માટે જામનગર શહેર સહિત આસપાસના બહારગામના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

આમ, સદીઓ જૂની આ પવિત્ર પરંપરા, મંત્રોચ્ચાર, મા કનકાઈના ભાવવાહી છંદ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે જલાની જારની ગરબી ખાતે નવરાત્રિ મહોત્સવની પૂર્ણાહુતિ થાય છે. અગિયારસની વહેલી સવારે યોજાતી વિદાયવિધિ અને પરંપરાગત છંદના ગાનમાં ઉત્સાહભેર સહભાગી બનીને તમામ માઇભક્તો ધન્યતા અને આત્મિક શાંતિનો અનુભવ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande