
જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર જિલ્લાના લાલપુર શહેરમાં ચકચારી મચાવનાર વૃદ્ધની લૂંટ અને હત્યાના કેસમાં પોલીસે આરોપી અક્ષય મોયડાને ઝડપી લીધા બાદ આજે ગુનાનું ઘટનાસ્થળે જઈને સઘન રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
લાલપુરના હોસ્પિટલ રોડ પર આવેલા મનસુખભાઈ વાછાણીના રહેણાંક મકાનમાં ઘૂસીને આરોપી અક્ષય મોયડાએ ઘાતકી લૂંટ ચલાવ્યા બાદ તેમની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આ ગંભીર ગુનાને અંજામ આપીને નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં જ તેને દબોચી લીધો હતો.
આ કેસમાં મજબૂત પુરાવાઓ એકત્રિત કરવાના હેતુસર પોલીસ દ્વારા આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સીધા જ ઘટનાસ્થળે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને લૂંટ ચલાવી, હુમલો કરી અને ત્યાંથી ભાગી છૂટવા સુધીની તમામ ઘટનાઓનું સ્થળ પર જ લાઈવ રી-કન્સ્ટ્રક્શન કરીને પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાક્રમનું પુનરાવર્તન કર્યું હતું.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રક્રિયાની વ્યાપક વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાવી છે, અને હવે આરોપીને અદાલતમાં કડકમાં કડક સજા અપાવવા માટે મજબૂત કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt