
- ૧૨૯ વર્ષ જૂના ઐતિહાસિક વારસાની યાદો તાજી થઈ; વર્ષ ૧૯૭૧ના ગોઝારા અકસ્માત બાદ બંધ થયેલી લાઈનના મશીનરી અવશેષો
જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં હાલ ચાલી રહેલા રોડના ખોદકામ દરમિયાન જમીનમાં દબાયેલા લોખંડના જૂના રેલવે પાટા અને સ્લીપર મળી આવ્યા છે. આ ઘટનાથી જામનગરના રાજાશાહી સમયના સમૃદ્ધ ઐતિહાસિક વારસાની યાદો ફરી તાજી થઈ છે. પ્રાચીન દસ્તાવેજો અનુસાર, આજથી આશરે ૧૨૯ વર્ષ પહેલાં એટલે કે ૮ એપ્રિલ ૧૮૯૭ના રોજ નવાનગર રાજ્યના તત્કાલીન જામ સાહેબ જશવંતસિંહજી વિભાજીના શાસનકાળમાં આ મહત્વપૂર્ણ રેલવે લાઈન કાર્યરત કરવામાં આવી હતી.
રાજકોટથી નવાનગર સુધીની રેલવે લાઈનનું ખાતમુહૂર્ત વર્ષ ૧૮૯૩માં બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર લોર્ડ હેરિસ દ્વારા જામ સાહેબ વિભાજી બીજા રણમલજીના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૮ એપ્રિલ ૧૮૯૫ના રોજ જામ સાહેબ જશવંતસિંહજીએ ગાદી સંભાળી હતી. તેમના સમયમાં જામનગર સ્ટેશનથી બેડી બંદર સુધી ખાસ માલસામાનના સરળ પરિવહન અર્થે ૩.૮૩ માઇલ (આશરે ૬.૧૬ કિમી) લાંબી મીટરગેજ લાઇન શરૂ કરવામાં આવી હતી.
આ ઐતિહાસિક રેલવે લાઈન સંપૂર્ણપણે નવાનગર રાજ્યની માલિકીની હતી. વર્ષ ૧૯૧૧ સુધી આ લાઈનનું સમગ્ર સંચાલન ભાવનગર, ગોંડલ, જૂનાગઢ અને પોરબંદર રેલવેના સંયુક્ત તંત્ર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવતું હતું. તે સમયે બેડી બંદર સાથે વેપાર-વાણિજ્ય વધારવામાં આ લાઈને અત્યંત મહત્વનો ભાગ ભજવ્યો હતો.
જોકે, બાદમાં બનેલા એક દુઃખદ રેલ અકસ્માતમાં ત્રણ જાણીતા ઉદ્યોગપતિઓના મોત નિપજ્યા હતા, જેને પગલે સુરક્ષાના કારણોસર આ રેલવે લાઈનનો માર્ગ બદલવામાં આવ્યો હતો. હાલ બેડેશ્વરમાં ખોદકામ દરમિયાન મળી આવેલા આ પાટા વર્ષ ૧૮૯૭ની મૂળ લાઈનના જ છે કે પછીથી પાથરવામાં આવેલા છે, તે અંગે રેલવે વિભાગ દ્વારા પ્રાચીન રેકોર્ડની સત્તાવાર ચકાસણી થવાની બાકી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt