રાજકોટ મનપા દ્વારા, શરદ પૂર્ણિમા પર્વે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન: 4000 લોકો માટે દૂધ-પૌવાની જ્યાફત
₹ 7.25 લાખના ટેન્ડર સાથે તડામાર તૈયારીઓ, 100થી વધુ કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવશે રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) : આગામી શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે 25 ઓક્ટોબરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ સ્થિત કવિ રમેશભાઈ પારેખ રંગદર્શન ખાતે ભવ્ય ગરબા મહ
રાજકોટ કોર્પોરેશન


- ₹ 7.25 લાખના ટેન્ડર સાથે તડામાર તૈયારીઓ, 100થી વધુ કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવશે

રાજકોટ, 21 ઓક્ટોબર (હિ.સ.) :

આગામી શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે 25 ઓક્ટોબરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ સ્થિત કવિ રમેશભાઈ પારેખ રંગદર્શન ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા આ કાર્યક્રમ માટે ₹ 7.25 લાખનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં અંદાજે 4,000થી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, જ્યાં હાજર તમામ શ્રદ્ધાળુઓ માટે 200 ml દૂધ-પૌવાના પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરબા મહોત્સવમાં શહેરની સુપ્રસિદ્ધ કંકણ ગ્રુપ સંસ્થાના 100 કલાકારો, અમરેલીના જેસિંગપરા રાસમંડળના 25 કલાકારો તથા રાજકોટ કારડિયા રાજપૂત સમાજના 25 કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવશે. મનપા દ્વારા કંકણ ગ્રુપને ₹ 1,51,000, જેસિંગપરા રાસ મંડળને ₹ 60,000 અને કારડિયા રાજપૂત સમાજ રાસ મંડળને ₹ 25,000નો રોકડ પુરસ્કાર, શિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત બહારગામથી આવતા કલાકારો માટે ભોજન અને રહાણાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

કાર્યક્રમ માટે વિવિધ વ્યવસ્થાઓના ખર્ચ અંગે શોર્ટ ટર્મ અને સરક્યુલર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં એલઇડી સેટ અને લાઇવ વિડિયોગ્રાફી માટે ₹ 1.20 લાખ, કલાકારોના પુરસ્કાર અને એકોમોડેશન માટે ₹ 2.50 લાખ, તથા 4000 લોકોના દૂધ-પૌવા સર્વિંગ માટે ₹ 2.00 લાખનો અપસેટ ભાવ નક્કી કરાયો છે. આ કામગીરી માટે કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા દ્વારા પ્રદિપ ડવના ટેકાથી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

બીજી તરફ, વર્તમાન સમયમાં પડી રહેલી ભારે ગરમીને કારણે, દૂધની વાનગીઓ ઝડપથી બગડી જવાની શક્યતા રહે છે. 4,000થી વધુ લોકોને દૂધ-પૌવાનો પ્રસાદ પીરસવાના નિર્ણયથી જો કોઈને ફૂડ પોઇઝનિંગ થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જોકે, આ તમામ આશંકાઓ વચ્ચે પણ મનપા તંત્ર દ્વારા લોકો મનભરીને ઉત્સવ માણી શકે તે માટે બેઠક વ્યવસ્થા, લાઈટ અને સાઉન્ડ સહિતની તડામાર તૈયારીઓ આખરી ઓપ આપી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande