
નવસારી, 23 ઓક્ટોબર (હિ.સ.) રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વિવિધ સરકારી યોજનાઓ હેઠળ રૂ.6.53 કરોડના ખર્ચે કુલ 18 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોમાં ગ્રામ્ય રસ્તાઓનું નિર્માણ અને રિસરફેસિંગ, પુલ સંબંધિત કામો તથા નવા ગ્રામ પંચાયત ભવનોના બાંધકામનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ અને છેવાડાનાં ગામો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવી સરકારની પ્રાથમિકતા છે. રસ્તા, પુલ અને પંચાયત ભવનો જેવી સુવિધાઓથી ગ્રામજનોની અવરજવર સરળ બનશે અને ગ્રામ્ય વિકાસને વેગ મળશે. તેમણે સંબંધિત વિભાગોને વિકાસકાર્યો ગુણવત્તા સાથે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, ટી.એ.એસ.પી. યોજના અને સુવિધાપથ યોજના હેઠળ અંભેટા, કેસલી, નાંદરખા, ઊંડાચ, ધકવાડા, દેવસર, વલોટી, દેસાડ, ખેરગામ અને દુવાડા સહિતનાં ગામોમાં વિકાસકાર્યો હાથ ધરાશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર કે. પી. પટેલ સરપંચઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે