પાટણમાં સ્ટ્રીટલાઈટ માટે ₹93 લાખથી વધુનાં વિકાસકામોને મંજૂરી
પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.)પાટણ શહેરમાં નાગરિકોની સુવિધા અને રાત્રિના સમયે માર્ગો પર પ્રકાશની વ્યવસ્થા સુધારવા નગરપાલિકાની સ્ટ્રીટલાઈટ સમિતિ દ્વારા ₹93 લાખથી વધુનાં વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. સમિતિના ચેરમેન વિજયાબેન બારોટના અધ્યક્ષસ્થાને મળેલી
પાટણમાં સ્ટ્રીટલાઈટ માટે ₹93 લાખથી વધુનાં વિકાસકામોને મંજૂરી


પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.)પાટણ શહેરમાં નાગરિકોની સુવિધા અને રાત્રિના સમયે માર્ગો પર પ્રકાશની વ્યવસ્થા સુધારવા નગરપાલિકાની સ્ટ્રીટલાઈટ સમિતિ દ્વારા ₹93 લાખથી વધુનાં વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. સમિતિના ચેરમેન વિજયાબેન બારોટના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવ્યા હતા.

નગરપાલિકાના ગામતળ અને આઉટગ્રોથ (ઓજી) વિસ્તારોમાં નવીન વીજળીકરણ માટે અંદાજે ₹8.42 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. આ કામગીરીથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને રાત્રિના સમયે પૂરતો પ્રકાશ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરાશે.

શહેરના મુખ્ય જંક્શનો, ચોક અને જાહેર સ્થળોએ પ્રકાશ વધારવા મિની હાઈમાસ્ક લગાવવા માટે ₹52 લાખની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ઊંઝા ત્રણ રસ્તાથી રશિયન નગર સોસાયટી સુધીના મુખ્ય માર્ગના ડિવાઈડર પર જી.આઈ. પોલ આધારિત સ્ટ્રીટલાઈટ લગાવવા અંદાજે ₹31.20 લાખથી ₹33 લાખનો ખર્ચ કરવામાં આવશે.

સમિતિના જણાવ્યા મુજબ, જનપ્રતિનિધિઓ, સભાસદો અને સ્થાનિક રહીશો દ્વારા સ્ટ્રીટલાઈટ અંગે કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને તમામ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી અપાઈ છે. આ કામગીરી પૂર્ણ થતાં શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ રોશની વધશે તથા રાત્રિના સમયે રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષામાં સુધારો થવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande