

પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની ભાટસણ સ્થિત PM શ્રી પગારકેન્દ્ર શાળામાં આચાર્ય એસ.એફ. સુથાર (HTAT)ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીને માત્ર મીઠાઈ અને શુભેચ્છાઓ પૂરતી મર્યાદિત ન રાખતાં શાળાના આચાર્યએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે શાળાના નાના બાળકો સાથે મળીને વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વૃક્ષારોપણ દરમિયાન આચાર્ય એસ.એફ. સુથારે બાળકોને વૃક્ષોનું માનવજીવન અને પ્રકૃતિમાં રહેલું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો આપણને સ્વચ્છ હવા પૂરી પાડવાની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવામાં અને પ્રકૃતિની જાળવણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે બાળકોને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ જીવનમાં ઉપયોગી એવા પર્યાવરણલક્ષી સંસ્કારો પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાળાના સ્ટાફ અને બાળકોને મોં મીઠું કરાવી ખુશી વહેંચવામાં આવી હતી. વૃક્ષારોપણ સાથે જન્મદિવસની ઉજવણી કરીને આચાર્યએ સમાજને પર્યાવરણની જાળવણી માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળાની આ પહેલ દ્વારા 'જન્મદિવસે એક વૃક્ષ, પર્યાવરણ માટે અમૂલ્ય ભેટ' એવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉજવણીએ વિદ્યાર્થીઓને પ્રકૃતિની સંભાળ રાખવા અને હરિયાળું વાતાવરણ જાળવવા માટે પ્રેરિત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ