
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ નજીક અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં મિત્રને જમવાનું પાર્સલ આપવા જઈ રહેલા એક યુવકનું બાઇક સ્લિપ થઈ જતાં ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું છે. મળતી વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ લોધિકાના છાપરા ગામે રહીને ફેક્ટરીમાં કામ કરતો ૨૫ વર્ષીય ઉદયબાગ રામપ્રવેશ કુશવાહા ૨૧ ઓક્ટોબરના રોજ બપોરના સમયે મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન છાપરા ગામ નજીક અચાનક બાઇક સ્લિપ થઈ જતાં તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકને તુરંત જ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા યુવકે ગઈકાલે સાંજના સમયે દમ તોડી દીધો હતો. યુવકના અવસાન અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા મેટોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક ઉદયબાગ પરિવારમાં બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો તથા અપરિણીત હતો. પોતાના સાથી મિત્રને ટીફીન કે પાર્સલ આપવા જતી વેળાએ સર્જાયેલી આ કરૂણ દુર્ઘટનાને પગલે શ્રમિક પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt