
જુનાગઢ,23 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (જૂનાગઢ વિભાગ) દ્વારા મેંદરડા મુકામે નિર્માણ થનાર નવીન એસ.ટી. બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૈાઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજાના હસ્તે આજ રોજ યોજાયો હતો.
ગુજરાત રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્રારા તૈયાર થનાર આ નવીન બસ સ્ટેશનના નિર્માણથી મેંદરડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને બસ પરિવહન માટે અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે તેમજ આ વિસ્તારનો વાહનવ્યવહાર વધુ સરળ અને ઝડપી બનશે.
આ નવનિર્મિત બસ સ્ટેશનની સાથે એક શોપિંગ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવશે, જેથી મુસાફરોને ખરીદીની સુવિધા મળી રહેશે. મુસાફરોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીં ઉપાહારગૃહ, ૪ સ્ટોલ, બેબી ફીડિંગ રૂમ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ કાળજી અને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, એસટી નિગમમાં મહિલા કંડક્ટરો માટે પણ ડ્રાઇવર રેસ્ટરૂમની સાથે ખાસ કંડક્ટર રેસ્ટરૂમની પણ સુવિધા રાખવામાં આવી છે.
આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા, અગ્રણી વિપુલ કાવાણી, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન ચિરાગ રાજાણી, એસ.ટી. નિગમ જૂનાગઢના વિભાગીય નિયામક વી.બી.ડાંગર, સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ