નવરાત્રી સહિતના બંદોબસ્તમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ટ્રાફિક પોલીસ અને TRB જવાનોનું સન્માન
પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરી ફરજ નિષ્ઠા અને સમર્પણને બિરદાવાયાં કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા, માર્ગ અકસ્માતો અટકાવવા અને જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પ્રશંસનીય કા
ટ્રાફિક જવાનોનું સન્માન કરવામાં આવ્યું


ટ્રાફિક જવાનોનું સન્માન કરવામાં આવ્યું


પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરી ફરજ નિષ્ઠા અને સમર્પણને બિરદાવાયાં

કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા, માર્ગ અકસ્માતો અટકાવવા અને જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પ્રશંસનીય કામગીરી કરનાર ટ્રાફિક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ (TRB)ના જવાનોને પ્રોત્સાહિત કરવા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે ફરજ પ્રત્યેની નિષ્ઠા, જવાબદારી અને સમર્પણભાવથી કામગીરી કરનાર જવાનોને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો શહેરના માર્ગો પર વાહનવ્યવહારનું નિયમન કરવા ઉપરાંત માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા, વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને જાહેર વ્યવસ્થાને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને નવરાત્રી જેવા મોટા તહેવારો દરમિયાન વધતી અવરજવર, ગરબા સ્થળોએ એકત્ર થતી ભીડ અને વાહનોના ભારે દબાણ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા જાળવવી પડકારજનક બની રહે છે. આવા સંજોગોમાં પણ ખંતપૂર્વક ફરજ નિભાવનાર કર્મચારીઓની કામગીરીની કદર કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ અને TRBના જવાનોની ફરજ માત્ર વાહનોની અવરજવર નિયંત્રિત કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ માર્ગ પર ચાલતા નાગરિકોની સુરક્ષા જાળવવાની પણ તેમની મહત્વપૂર્ણ જવાબદારી છે. કાળઝાળ ગરમી, વરસાદ અને કડકડતી ઠંડી જેવા પ્રતિકૂળ વાતાવરણમાં કલાકો સુધી રસ્તા પર ઊભા રહીને ફરજ બજાવવી સરળ બાબત નથી. તેમ છતાં કર્મચારીઓ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે, જેના પરિણામે ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં મદદ મળે છે.

એસપી બાગમારે નવા ભરતી થયેલા TRB જવાનોને નવી જવાબદારી સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જવાનોને ફરજ દરમિયાન શિસ્ત, પ્રામાણિકતા, સમયપાલન અને નાગરિકો પ્રત્યે સેવાભાવ જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જાહેર જનતા સાથે સૌજન્યપૂર્ણ વર્તન રાખવા અને સોંપવામાં આવેલી જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા પણ પ્રેરિત કર્યા હતા.

આ સન્માન કાર્યક્રમનો હેતુ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું મનોબળ વધારવા અને અન્ય કર્મચારીઓને પણ જવાબદારીપૂર્વક સેવા આપવા પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક), જિલ્લા ટ્રાફિક પોલીસના PSI, સિટી ટ્રાફિક પોલીસના PSI સહિત પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande