
પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા-હારીજ રોડ પર જીઆઈડીસી સામે આવેલા સુર્યા ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે ચાણસ્મા પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ત્રણ મહિલાઓ અને એક ગ્રાહક મળી આવ્યા હતા. જ્યારે ગેસ્ટ હાઉસનો સંચાલક સ્થળ પર હાજર ન હોવાથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે ગેસ્ટ હાઉસમાં તપાસ કરતાં રૂમ નંબર 105માંથી સાગર અરજણ નાણેચા નામનો ગ્રાહક એક મહિલા સાથે મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ગેસ્ટ હાઉસના સંચાલકને રૂ. 700 આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત રૂમ નંબર 104માંથી અન્ય બે મહિલાઓ મળી આવી હતી. પોલીસ તપાસમાં ત્રણેય મહિલાઓ ડીસા, આણંદ અને હિંમતનગર વિસ્તારની હોવાનું જાણવા મળ્યું હતું.
પકડાયેલી મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે ગેસ્ટ હાઉસ સંચાલક રસિક સોમા આજોલા (રહે. મંડલોપ, તા. ચાણસ્મા)ના સંપર્કથી તેઓ ત્યાં આવતી હતી. ગ્રાહકો પાસેથી મળતી રકમમાંથી અડધો ભાગ સંચાલક રાખતો હતો અને બાકીનો ભાગ મહિલાઓને આપવામાં આવતો હતો. જોકે, દરોડા દરમિયાન સંચાલક સ્થળ પર મળી આવ્યો નહોતો.
વધુ તપાસમાં ગેસ્ટ હાઉસમાં રજિસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવતું ન હોવાનું તેમજ પથિક સોફ્ટવેરનો ઉપયોગ ન કરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ફરાર સંચાલક રસિક સોમા આજોલા સામે અનૈતિક વેપાર અટકાવવાનો અધિનિયમ (PITA)ની કલમ 3, 4, 5 અને 7 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ