ભાવનગર એસ.ટી. વિભાગની ઓનલાઈન રિઝર્વેશન સેવામાં નોંધપાત્ર વધારો
ભાવનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોને સુખદ, સલામત અને સુવિધાયુક્ત મુસાફરી પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે ભાવનગર એસ.ટી. વિભાગની ઓનલાઈન રિઝર્વેશન સેવામા
ભાવનગર ડેપો ફાઇલ ફોટો


ભાવનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોને સુખદ, સલામત અને સુવિધાયુક્ત મુસાફરી પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે ભાવનગર એસ.ટી. વિભાગની ઓનલાઈન રિઝર્વેશન સેવામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

સપ્ટેમ્બર-2026 દરમિયાન ગત વર્ષના સમાન મહિનાની સરખામણીએ ઓનલાઈન રિઝર્વેશન મારફતે 35 હજારથી વધુ વધારાની સીટોનું બુકિંગ નોંધાયું હતું. આ વધારાના બુકિંગથી 33.95 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. આ ઉપરાંત, પ્રતિ કિલોમીટર આવકમાં પણ 2.34 રૂપિયાનો વધારો નોંધાયો છે, જે વિભાગની કામગીરીમાં થયેલી પ્રગતિ દર્શાવે છે.

ભાવનગર વિભાગના નિયામક આર.ડી. પીલવાઈકરના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર-2025ની સરખામણીએ સપ્ટેમ્બર-2026 દરમિયાન 98 હજારથી વધુ મુસાફરોએ એસ.ટી. બસ સેવાનો લાભ લીધો હતો. આ સમયગાળા દરમિયાન ભાવનગર વિભાગે 75.11 લાખ રૂપિયાથી વધુની ટ્રાફિક આવક મેળવી હતી.

આ ઉપરાંત, માસિક સંચાલન ખર્ચને આવરી લીધા બાદ ભાવનગર કેન્દ્રએ 8.73 લાખ રૂપિયાની આવક નોંધાવી હતી, જ્યારે મહુવા કેન્દ્રએ 44 હજાર રૂપિયાથી વધુની આવક મેળવી હતી.

એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા પૂરી પાડવા તેમજ ઓનલાઈન રિઝર્વેશન સેવાનો વ્યાપ વધારવા માટે કરવામાં આવતા પ્રયાસોને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. મુસાફરોની વધતી સંખ્યા અને ઓનલાઈન બુકિંગમાં થયેલો વધારો ભાવનગર વિભાગ માટે પ્રોત્સાહક બની રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande