
રાજકોટ, 24 ઓક્ટોબર (હિ.સ.) : દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી પોલીસ બેડામાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના કડક વલણને કારણે ભારે કંપારી છવાઈ ગઈ છે. કથિત તોડકાંડની અરજી અને ભૂતકાળમાં યોજાયેલી દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થવાના વિવાદ બાદ, આઈજીએ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને ચાર પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહીથી સમગ્ર પોલીસ વિભાગમાં ગેરશિસ્ત આચરનારા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સમગ્ર પ્રકરણની વિગત મુજબ, દ્વારકા એસઓજી શાખાના કેટલાક કર્મચારીઓનો દારૂ પાર્ટી કરતો એક વીડિયો અને અન્ય એક તોડકાંડ અંગેની અરજી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી. જનતાના રક્ષક ગણાતા પોલીસ જ આવી પ્રવૃત્તિઓમાં લિપ્ત જણાયા હોવાના અહેવાલોથી ખાખી વર્દીની શાખ પર ગંભીર સવાલો ઊભા થયા હતા. લોકલાગણી અને ખાતાની છબીને ધ્યાને રાખીને હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં બેદરકારી સાબિત થતાં જ ઉપરી અધિકારીઓએ કડક પગલાં લીધાં હતાં.
એસઓજી જેવી મહત્વપૂર્ણ બ્રાન્ચમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓ કિશોરસિંહ જગુભા જાડેજા, રાજભા જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા અને કરણભાઈ સોઢાને સેવામાંથી મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ ચારેય કર્મચારીઓને પનિશમેન્ટ પોસ્ટિંગના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે બદલી પણ કરી દેવામાં આવી છે. આ ગંભીર ઘટનાના પગલે માત્ર નિચલા સ્તરના કર્મચારીઓ જ નહીં પરંતુ જવાબદાર ઉપરી અધિકારી એસઓજી પીઆઈ રાણાને પણ હટાવીને તેમની જગ્યાએ પીઆઈ ગુર્જરને નવો ચાર્જ સોંપાયો છે.
બીજી તરફ, આ વાયરલ વીડિયો અંગે પોલીસ બેડામાં અલગ-અલગ તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક વર્તુળો અનુસાર, આ વીડિયો થોડા વર્ષો પહેલાંના એક અધિકારીની બદલી બાદ યોજાયેલી પાર્ટીનો હોવાનું કહેવાય છે. એવી પણ શંકાઓ સેવાઈ રહી છે કે રજૂ કરાયેલા વીડિયો સાથે છેડછાડ કરીને અમુક પોલીસકર્મીઓના ચહેરા કાપી નાખવામાં આવ્યા છે અને ચોક્કસ કર્મચારીઓને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.
આ સમગ્ર સર્જિકલ સ્ટ્રાઈક જેવા પગલાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર પોલીસ તંત્રમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે. રેન્જ આઈજીની આ આકરી કાર્યવાહીથી સ્પષ્ટ મેસેજ ગયો છે કે ખાખી વર્દી ધારણ કરીને ગેરશિસ્ત કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ બનાવથી અન્ય લાઇનદોરી ચૂકતા કર્મચારીઓમાં પણ મોટો બોધપાઠ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt