


ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ‘માય ભારત’ (MY Bharat), ગાંધીનગર દ્વારા સાત દિવસીય અડાલજ સ્થિત હાર્ટફુલનેસ મેડિટેશન સેન્ટર ખાતે ૭ દિવસીય રાષ્ટ્રીય ‘વંદે માતરમ કેમ્પ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો શુભારંભ ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા રવીન્દ્રસિંહ જાડેજાના કરકમલો દ્વારા મુખ્યાતિથિ વિશેષ તરીકે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, માય ભારત ગુજરાતના ડાયરેક્ટર સચિન શર્મા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રેયાંશ સિંહ તથા ડી.ડી. પંકજ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પરસ્પર સમજણ અને સહિયારી રાષ્ટ્રીય ઓળખને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં દેશના વિવિધ ૫ રાજ્યો – હિમાચલ પ્રદેશ, ઓડિશા, તેલંગાણા, કેરળ, બિહાર તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નાગર હવેલી અને દમણ અને દીવમાંથી 150 થી વધુ યુવા પ્રતિભાગીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ રીવાબા જાડેજાએ યુવા પ્રતિભાગીઓ સાથે અત્યંત સાહજિક અને પ્રેરણાદાયી સંવાદ સાધ્યો હતો. આ ખાસ સંવાદ દરમિયાન 'વંદે માતરમ'નો ભાવ, 'વિકસિત ભારત'નું સ્વપ્ન, સુશાસન, રાષ્ટ્રીય વિકાસ નીતિઓ અને 'એક પેડ મા કે નામ' અભિયાન જેવા મહત્વપૂર્ણ વિષયો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રીએ યુવાનોને જવાબદાર નાગરિક બની રાષ્ટ્ર નિર્માણ અને ટકાઉ વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા હાકલ કરી હતી.
કાર્યક્રમનો પ્રારંભ મંત્રોચ્ચાર, દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે થયો હતો. આ શુભારંભ પ્રસંગે ભારતની વિવિધતાસભર સંસ્કૃતિ ઉજાગર કરતા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કેરળ રાજ્યની ટીમે તેમનું પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યું હતું જ્યારે ગુજરાતની કલાકાર ખનક શ્રીવાસ્તવ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવું ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ 7 દિવસીય કેમ્પ દરમિયાન આગામી 24 ઓક્ટોબર 2026 ના રોજ તમામ યુવા પ્રતિભાગીઓ રાજભવન (Governor's House) ની મુલાકાત લેશે, જ્યાં તેઓને ગુજરાતના રાજ્યપાલ સાથે સંવાદ સાધવાની અમૂલ્ય તક મળશે. આ ઉપરાંત, પ્રતિભાગીઓ સાયન્સ સિટી અને સાબરમતી આશ્રમની શૈક્ષણિક તથા ઐતિહાસિક મુલાકાત લેશે તેમજ જિલ્લા કલેક્ટર સાથે 'યુવા સંવાદ' કરી પ્રશાસનિક ક્ષેત્રે જાણકારી મેળવશે. 28 ઓક્ટોબર,2026 સુધી ચાલનાર આ કેમ્પ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવામાં સીમાચિહ્નરૂપ પુરવાર થશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ