
સુરત, 24 ઓક્ટોબર (હિ.સ.) બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસની તપાસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સુરતમાંથી મહત્વની સફળતા મળી છે. 23 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે બે ગેરકાયદે હથિયાર અને 10 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. આ કેસમાં સુરતનું કનેક્શન સામે આવતાં તપાસનો વ્યાપ વધ્યો છે. પોલીસ હવે આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યાં હતાં અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યાં હતાં તેની તપાસ કરી રહી છે.
આ મામલે 19 ઓક્ટોબરના રોજ મુંબઈની DCB CIDમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1), 3(5) અને આર્મ્સ એક્ટની કલમ 3 તથા 25 હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે સુરતમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, હથિયારોની હેરફેરમાં કોણ-કોણ સામેલ છે અને આ સમગ્ર નેટવર્કનાં અન્ય કનેક્શન ક્યાં સુધી ફેલાયેલાં છે તે જાણવા માટે પોલીસની તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે 17 ઓક્ટોબરના રોજ મુંબઈના જુહૂ વિસ્તારમાં પુષ્પા નરસી પાર્ક નજીક ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. ફૂટબોલ રમીને પરત ફરી રહેલા અભિનેતાની કાર પર હુમલાખોરોએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં તેમના ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિ ઘાયલ થયાં હતાં, જ્યારે ટાઈગરને કાચના ટુકડાઓથી ઈજા થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ ગેંગ સાથે જોડાયેલી હોવાનો દાવો કરતી પોસ્ટ પણ વાયરલ થઈ હતી. હવે સુરતમાંથી હથિયારોની જપ્તી થતાં આ કેસની તપાસમાં વધુ મહત્ત્વની કડીઓ મળવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે