અમરેલીના શેડુભારમાં ગુજરાતનો સૌપ્રથમ નેપિયર ઘાસમાંથી CNG બનાવવાનો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે
અમરેલી,25 ઓક્ટોબર (હિ.સ.) *ગોપીનાથ બાયોગેસ પ્લાન્ટની ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ લીધી મુલાકાત; 700 વીઘાથી વધુ જમીન પર નેપિયર ઘાસના ઉત્પાદન માટે ખેડૂતો સાથે કરાર* **અમરેલી:** ભારત અને ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે નવી દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યાર
Gujarat's first project to produce CNG from Napier grass is taking shape in Shedubhar, Amreli.


અમરેલી,25 ઓક્ટોબર (હિ.સ.)

*ગોપીનાથ બાયોગેસ પ્લાન્ટની ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ લીધી મુલાકાત; 700 વીઘાથી વધુ જમીન પર નેપિયર ઘાસના ઉત્પાદન માટે ખેડૂતો સાથે કરાર*

**અમરેલી:** ભારત અને ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે નવી દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના શેડુભાર ગામેથી ગુજરાત માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. શેડુભાર ખાતે જતીનભાઈ ગજેરા દ્વારા સ્થાપિત કરવામાં આવી રહેલા ગોપીનાથ બાયોગેસ પ્લાન્ટમાં નેપિયર ઘાસમાંથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) બનાવવાની યોજના આકાર લઈ રહી છે. આ પ્રોજેક્ટની કામગીરી અને ગેસ ઉત્પાદનની પ્રક્રિયા અંગે માહિતી મેળવવા માટે રાજ્યના ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ પ્લાન્ટની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.

આ મુલાકાત દરમિયાન ઉર્જામંત્રીએ નેપિયર ઘાસમાંથી બાયોગેસ અને CNG ઉત્પાદન કરવાની પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી. પ્લાન્ટના સંચાલકો દ્વારા સમગ્ર પ્રોજેક્ટની કામગીરી અને ભવિષ્યની યોજનાઓ અંગે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉર્જામંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

**ખેડૂતો માટે આવકનો નવો માર્ગ ખુલશે**

ગોપીનાથ બાયોગેસ પ્લાન્ટની વિશેષતા એ છે કે તેમાં ગેસ ઉત્પાદન માટે નેપિયર ઘાસનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક ખેડૂતોને ખેતીમાં નવો વિકલ્પ મળવાની સાથે આવકનો વધારાનો સ્ત્રોત ઊભો થવાની શક્યતા છે. પ્લાન્ટ માટે ખેડૂતો સાથે સીધા કરાર કરવામાં આવ્યા છે, જેમાં 700 વીઘાથી વધુ જમીન પર નેપિયર ઘાસનું ઉત્પાદન કરવાની યોજના છે. ખેડૂતો પોતાના ખેતરમાં આ ઘાસ ઉગાડશે અને કરાર મુજબ કંપનીને વેચાણ કરશે.

આ વ્યવસ્થાથી ખેડૂતોને પાકના વેચાણ માટે સીધું બજાર મળી શકે છે, જ્યારે બાયોગેસ પ્લાન્ટને ગેસ ઉત્પાદન માટે જરૂરી કાચો માલ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે. પરિણામે ખેતી અને ગ્રીન એનર્જી ક્ષેત્ર વચ્ચે નવું જોડાણ ઊભું થવાની આશા છે.

**ઉર્જામંત્રીએ જતીનભાઈ ગજેરાને પાઠવી શુભેચ્છાઓ**

રાજ્યના ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ પ્રોજેક્ટની કામગીરીની માહિતી મેળવ્યા બાદ નેપિયર ઘાસ આધારિત CNG પ્લાન્ટ સ્થાપવાના પ્રયાસ બદલ જતીનભાઈ ગજેરા અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. પર્યાવરણના જતન સાથે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ વધારવામાં આવા પ્રોજેક્ટ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

શેડુભાર ખાતે આકાર લઈ રહેલો ગોપીનાથ બાયોગેસ પ્રોજેક્ટ સફળતાપૂર્વક કાર્યરત થાય તો અમરેલી જિલ્લા માટે ગ્રીન એનર્જી અને કૃષિ ક્ષેત્રે નવી તક ઊભી થઈ શકે છે. નેપિયર ઘાસની ખેતીથી લઈને ગેસ ઉત્પાદન સુધીની આ વ્યવસ્થા આગામી સમયમાં સ્થાનિક ખેડૂતોને કેટલો લાભ આપે છે અને પર્યાવરણલક્ષી ઊર્જા ક્ષેત્રે કેવું પરિણામ લાવે છે તેના પર સૌની નજર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande