
ભાવનગર, 26 ઓક્ટોબર (હિ.સ.)શહેરમાં શરદપૂનમના પાવન અવસરે મેઘાણી ઓરી હોલ ખાતે કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા 51 સેવાભાવી સંસ્થાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્ષ 2015થી કોઈ પ્રમુખ વિના ટીમવર્કના આધારે સેવાકીય પ્રવૃત્તિઓ કરતી નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સામૂહિક પ્રયાસો અને સેવાભાવનાથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સંસ્થામાં કોઈ એક પ્રમુખના નેતૃત્વને બદલે ટીમના સભ્યોના સહિયારા પ્રયાસોથી સેવા કાર્ય કરવામાં આવે છે. આ કાર્યશૈલી સંસ્થાની વિશેષ ઓળખ બની છે.
કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમારોહમાં નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટનું સન્માન રાજેન્દ્રસિંહ ગોહિલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સન્માન નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ વતી નરેન્દ્રસિંહ ગોહિલ (સાણોદર), શક્તિસિંહ ચુડાસમા (બાવળીયારી), પત્રકાર સંજયભાઈ ડાભી, રાજુભાઈ જાની, નવાગામ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપસિંહ ઝાલા અને અનિલભાઈ પંડિતે સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓની કદર કરી સન્માનિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ટ્રસ્ટ દ્વારા મળેલા પ્રેમ, હૂંફ અને લાગણી બદલ કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો આભાર માન્યો હતો.
ભાવનગરમાં યોજાયેલા આ સમારોહ દ્વારા સમાજમાં નિઃસ્વાર્થભાવે સેવા કરતી સંસ્થાઓના કાર્યને પ્રોત્સાહન મળ્યું હતું. આવા સન્માન સમારોહ સેવાભાવી સંસ્થાઓને વધુ ઉત્સાહથી સમાજસેવાના કાર્યો આગળ ધપાવવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA